Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

નવી વિમેન્‍સ લીગ ફરી એકવાર છોકરીઓની પ્રતિભા, શકિત અને ક્ષમતા વૈશ્વિક સ્‍તરે પ્રકાશમાં લાવશે : નીતા અંબાણી

મુંબઇ ઇન્‍ડિયન્‍સ મહિલા પ્રીમિયર લીગ ટીમને તેની વૃધ્‍ધિ પામતી ‘ઓનલી ફેમેલી'માં આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓને માટે પ્રોત્‍સાહન આપવાના અને એમ.આઈ. #OneFamilyના વિસ્‍તરણમાં તેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા મુંબઈ ઈન્‍ડિયન્‍સે માર્ચ ૨૦૨૩માં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL)માં એક ખૂબ જ વિશિષ્ટ ફ્રેન્‍ચાઈઝી - એક મહિલા ક્રિકેટ ટીમનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે.  આ સાથે મુંબઈ ઈન્‍ડિયન્‍સ, એમ.આઈ. કેપટાઉન અને એમ. આઈ. એમિરેટ્‍સ બાદ એમ.આઇ. ની મહિલા ટીમ ચોથી એમ.આઈ. ફ્રેન્‍ચાઈઝી બની છે.

મુંબઈ ઈન્‍ડિયન્‍સે મુંબઈ શહેરની ફ્રેન્‍ચાઈઝી માટે બીડ જીતી લીધી હતી. પલટન પાસે હવે તેમની પોતાની મહિલા ટીમ હશે, જે રીતે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી મુંબઈ ઈન્‍ડિયન્‍સને ટેકો આપે છે અને તેને ભારતીય રમતમાં સૌથી સફળ ફ્રેન્‍ચાઈઝી બનાવે છે તેવો ઉત્‍સાહ અને ઉજવણી નિરંતર જારી રખશે. નવી રજૂ કરાયેલી ષ્‍ભ્‍ન્‍ માત્ર ભારત અને સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ માટે જ નહીં પરંતુ મહિલા ખેલાડીઓના રમતગમત ક્ષેત્ર માટે પણ ગેમ ચેન્‍જર બની રહેશે.

આ પ્રસંગે બોલતા, શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું, ‘ખૂબ આનંદ અને ગર્વ સાથે હું અમારી મહિલા ક્રિકેટ ટીમનું એમઆઈ #OneFamilyમાં સ્‍વાગત કરું છું! ભારતીય ક્રિકેટ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે તેનો એક હિસ્‍સો બનીને ખુશ છીએ. ભારતની મહિલા ક્રિકેટરોએ હંમેશા રમતગમતના વૈશ્વિક મેદાનમાં રાષ્ટ્રને ગૌરવ અપાવ્‍યું છે - પછી તે વર્લ્‍ડ કપ હોય, એશિયન કપ હોય કે તાજેતરની કોમનવેલ્‍થ ગેમ્‍સ હોય! આ નવી વિમેન્‍સ લીગ ફરી એકવાર અમારી છોકરીઓની પ્રતિભા, શક્‍તિ અને ક્ષમતા પર વૈશ્વિક સ્‍તરે પ્રકાશમાં લાવશે. મને ખાતરી છે કે અમારી મહિલા એમઆઈ ટીમ નિર્ભય અને મનોરંજક ક્રિકેટની મુંબઈ ઈન્‍ડિયન્‍સની બ્રાન્‍ડને એકસાથે નવા સ્‍તરે લઈ જશે. આ સીમાચિન્‍હરૂપ જાહેરાત માટે બીસીસીઆઈને મારા હૃદયપૂર્વક અભિનંદન! તે વધુને વધુ યુવા મહિલાઓ માટે વ્‍યાવસાયિક રમતમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કરશે. રિલાયન્‍સમાં અમે માત્ર ક્રિકેટમાં જ નહીં, પરંતુ રમતગમતમાં મહિલાઓના ભવ્‍ય ઉદય માટે પ્રતિબદ્ધ છીએ.'

શ્રી આકાશ એમ. અંબાણીએ કહ્યું કે, ‘મુંબઈ ઇન્‍ડિયન્‍સ પરિવારની ચોથી ફ્રેન્‍ચાઇઝી, અમારી મહિલા ક્રિકેટ ટીમને આવકારતાં હું ખુશ છું. વિમેન્‍સ પ્રિમિયર લીગ એક ઐતિહાસિક ક્ષણ છે અને મને ગર્વ છે કે ભારત આ પરિવર્તનમાં સૌથી આગળ છે. હું આગામી સિઝનની આતુરતાથી રાહ જોઉં છું અને મને વિશ્વાસ છે કે WPLની રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓના સશક્‍તીકરણ પર ઊંડી અસર છોડશે. મહિલાઓની રમતમાં અમે એમ.આઈ.નો અનુભવ અને શ્રેષ્ઠ પ્રથાઓ રજૂ કરીએ છીએ ત્‍યારે અમે અમારી મહિલા ટીમનાં ઉત્‍કૃષ્ટ પ્રદર્શન જોવા અને મહિલા ખેલાડીઓની ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે આતુર છીએ.'

રિલાયન્‍સ ફાઉન્‍ડેશન સ્‍પોર્ટ્‍સ વર્ષોથી એથ્‍લેટિક્‍સ, ફૂટબોલ અને ક્રિકેટમાં મહિલાઓને પાયાની તકોના વિકાસ પર વધુ ભાર મૂકવાની સાથે મહિલાઓને ખાસ તાલીમ પૂરી પાડવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહ્યું છે. આમાં ઓલિમ્‍પિક સ્‍પોર્ટ્‍સ પ્રોગ્રામમાં મહિલા ખેલાડીઓ માટે શિષ્‍યવૃત્તિનો સમાવેશ થાય છે જે તેમને વર્લ્‍ડ-ક્‍લાસ એક્‍સપોઝર, કોચિંગ, તાલીમ અને સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાયન્‍સ સપોર્ટ પૂરા પાડે છે.

ફાઉન્‍ડેશન બાળકોને રમતગમત માટે પ્રોત્‍સાહિત કરવા અને ક્રિકેટ અને ફૂટબોલર રમતાં યુવક તથા યુવતીઓને સમાન તકો પ્રદાન કરવા માટે પાયાના સ્‍તરે પણ કામ કરે છે. હાલ ચાલી રહેલી એમઆઈ જુનિયર, ગર્લ્‍સ અને બોય્‍ઝ માટેની ઇન્‍ટર-સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં મહારાષ્ટ્રની ૨૦૦થી વધુ શાળાઓએ ભાગ લીધો છે. ઉપરાંત રિલાયન્‍સ ફાઉન્‍ડેશન યુથ સ્‍પોર્ટ્‍સ (RFYS) દ્વારા તાજેતરમાં સમાપ્ત થયેલી શાળા અને કોલેજ ફૂટબોલ લીગ ૧૨ રાજયોમાં યોજાઈ હતી અને તેમાં બોય્‍ઝ અને ગર્લ્‍સની શ્રેણીમાં ૨૬,૦૦૦ યુવા ફૂટબોલરોએ ભાગ લીધો હતો.

(1:45 pm IST)