Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગુજરાતમાં જી-૨૦ સમિટથી ઉદ્યોગોના વિકાસને પ્રોત્‍સાહન મળશે : મુળુભાઇ બેરા

ધ્રોલ ભુચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ : કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્‍યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ : કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના ૧૩ ટેબ્‍લો પ્રદર્શિત કરાયા : વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્‍ટ સિધ્‍ધિ મેળવેલ જામનગર જિલ્લાના વ્‍યકિતઓ-સંસ્‍થાઓનું સન્‍માન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : રાજયના પ્રવાસન, સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્‍લાઇમેટ ચેન્‍જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસતાક પર્વની ઉજવણી ધ્રોલ ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્‍તે દવજવંદન કરવામાં આવ્‍યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસતાક પર્વની શુભેચ્‍છાઓ પાઠવતા મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્‍યું હતું કે, આઝાદીની લડતમાં મહામૂલું પ્રદાન કરનારા સન્‍માનનીય સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, પૂજય મહાત્‍મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી ૭૩ વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્‍યું હતું. આજે ભારતના બંધારણની ૭૪મી જયંતિ છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે આ વર્ષે ગુજરાતમાં જી-૨૦ સમિટ યોજાવાથી ગુજરાતનાં ઉદ્યોગોને પ્રોત્‍સાહન મળશે. જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોના વધુ વિકાસ થકી જિલ્લામાં પણ રોજગારીની વધુ તકો સર્જાશે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના પ્રયાસોથી જામનગર જિલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જામનગરની મુલાકાત લઈ જિલ્લાને રૂ.૧૪૪૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂ.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ,  રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્‍ડરગ્રાઉન્‍ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્‍પીંગ મશીનરી રીફરબીશ વર્ક સહિતના વિકાસ પ્રકલ્‍પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લો કચ્‍છના અખાતને જોડતો વિશાળ સમુદ્ર તટ ધરાવે છે. અહીં બાંધણી ઉદ્યોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્‍સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્‍ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્‍યારણ તેમજ વિવિધ હેરીટેજ ધરાવતો જિલ્લો ગૌરવ સમાન છે.

જામનગર જિલ્લામાં ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, દ્વારા વિવિધ કૃષિ વિષયક સહાય યોજનાઓમાં કુલ ૨૭૫૩ લાખની જોગવાઈ સામે ૧૦૮૫ લાખની કામગીરી ડીસેમ્‍બર-૨૦૨૨ અંતિત હાંસલ કરવામાં આવી. ખેડૂત અકસ્‍માત વીમા યોજના અંતર્ગત ૩૪ લાભાર્થીઓને રૂ.૬૭ લાખની અકસ્‍માત મૃત્‍યુ સહાય ચુકવવામાં આવી, કૃષિ યાંત્રિકરણ માટે ૯૧૧ ટ્રેક્‍ટર તથા ૪૫૨ જેટલા વિવિધ કૃષિયંત્રો માટે કુલ રૂ.૬૦૦.૩૮ લાખની સહાય ડીસેમ્‍બર-૨૦૨૨ અંતિત સહાય આપવામાં આપવામાં આવી છે.

જામનગર ખાતે જિલ્લાકક્ષાએ રોજગાર એપ્રેન્‍ટિસ પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડના વિતરણ કરાયા હતા. જેમાં રાજય સરકાર દ્વારા ૧૨૨૬ યુવાનોને ખાનગીક્ષેત્રે પ્‍લેસમેન્‍ટ આપવામાં આવેલ છે. યુવાનોને રોજગારી આપવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૫૪ ભરતીમેળાઓ કરીને શહેરી વિસ્‍તારના અને ગ્રામ્‍ય વિસ્‍તારના ઉમેદવારોએ ખાનગી તેમજ સરકારી ક્ષેત્ર મળી કુલ ૭૦૦૦ યુવાઓને રોજગારી આપીને ૧૦૦% સિદ્ધિ મેળવેલ છે. સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યો છે.

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા,ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, પ્રોબેશનલ આઇએએસ પ્રણવ વિજય વરગિયા, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જામનગર જિલ્લાના વિવિધ આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મહેમાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:03 pm IST)