Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સાવરકુંડલાની પૌરાણિક જગ્‍યા ગીરધરવાવની જગ્‍યાએ ‘વડીલોનું વાત્‍સલ્‍યધામ' સમુ ‘ગીરધરવાવ વૃદ્ધાશ્રમ'નો તા.૧ ફેબ્રુઆરીથી શુભારંભ

રાજકોટ : પૂ.મોરારીબાપુના આર્શીવાદથી નવસ્‍થાપિત ‘શ્રી રામ વાત્‍સલ્‍ય ટ્રસ્‍ટ' દ્વારા ‘વડીલોનું વાત્‍સલ્‍ય ધામ' સમુ ‘ગીરધરવાવ વૃદ્ધાશ્રમ'નો પ્રારંભ તા.૧લી ફેબ્રુઆરી - ૨૦૨૩ને બુધવારથી શુભારંભ થઈ રહ્યો છે.

પૂ.મોરારીબાપુના આર્શીવચનોથી મુંબઈ સ્‍થિત પરંતુ સાવરકુંડલાના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હરીશ મહેતા અને શિક્ષણવિદ્દ શ્રી દિવ્‍યકાંત સુચકના પ્રમુખપદે શ્રી વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન દ્વારા નિઃશુલ્‍ક લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરની સ્‍થાપના કરી અને સાવરકુંડલા તથા આસપાસના વિસ્‍તારોના દર્દી નારાયણને ઉત્‍કૃષ્‍ઠ સારવાર અને સેવા થઈ રહી છે.

પૂ.મોરારીબાપુના સુભાશિષથી  સાવરકુંડલા ખાતે અદ્યતન સુવિધા સાથેનું એક વૃદ્ધાશ્રમ સ્‍થાપવાનો સંકલ્‍પ હરીશ મહેતા અને દિવ્‍યકાંત સુચક દ્વારા લગભગ ૪ વર્ષ પૂર્વે લીધેલો હતો.

સાવરકુંડલાની પૌરાણિક જગ્‍યા કે જે ગીરધરવાવના નામે લોકચીભે ચડેલી છે તે જગ્‍યાના ટ્રસ્‍ટી મુકેશભાઈ પારેખ અને મધુસુદનભાઈ પારેખ દ્વારા ઉદારતાથી આ પૌરાણીક જગ્‍યાને નવપલ્લવીત કરી ત્‍યાં વડીલોનું વાત્‍સલ્‍યધામ એવુ ગીરધર ઘરના નામથી વૃદ્ધાશ્રમ બનાવવા માટે ઉદારતાથી જગ્‍યા અર્પણ કરી અને ત્‍યાંત અત્‍યંત આધુનિક સગવડતાઓ સાથે સંપૂર્ણ નૈસર્ગિક વાતાવરણવાળુ ગીરધર ઘર બનાવવા માટે મુકેશભાઈના કુટુંબી ભાઈ એવા અમેરીકા સ્‍થિત પ્રકાશભાઈ બાલકૃષ્‍ણભાઈ ગાંધી એ આ ગીરધર ઘર બનાવવા માટે સંપૂર્ણ રકમના દાતા બનીને આ પ્રકલ્‍પને પાર પાડવા માટે નીમીત બન્‍યા.

‘વડીલોનું વાત્‍સલ્‍યધામ' સમા ગીરધર ઘરમાં જરૂરીયાતમંદ વૃદ્ધોને વાત્‍સલ્‍યનો અહેસાસ થાય તે માટે રામ વાત્‍સલ્‍ય ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી હરીશ મહેતા અને સેક્રેટરી દિવ્‍યકાંત સુચકે રાત દિવસ એક કરી અહિં રહેવા આવનાર વડીલોને ઘરથી પણ વિશેષ સગવડતા વાત્‍સલ્‍ય અને આરોગ્‍ય મળે તે માટે જીણામાં જીણી કાળજી રાખીને ‘આ ગીરધર ઘર'નું નિર્માણ કર્યુ છે.

આ ઉપરાંત વડીલોના વાત્‍સલ્‍યધામમાં સંત કુટીર, રાધા કૃષ્‍ણ મંદિર, એકટીવીટી હોલ, પ્રેયર હોલ જેવી સુવિધાઓ પણ ઉભી કરી છે.

ગીરધર ઘરના નવનિર્મિત સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ થોડા મહિના પૂર્વે પૂ. મોરારીબાપુના આર્શીવાદ સાથે યોજાએલો હતો. પરંતુ જરૂરીયાતમંદ કુલ ૫૦ વડીલોની ક્ષમતા ધરાવતા આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ પ્રક્રિયા હાલ હાથ ધરાયેલ છે અને તેના નિયત નમુનાના ફોર્મ વિતરણ તા. ૧૯મી જાન્‍યુઆરીથી પ્રારંભ થયેલ છે. પસંદ થયેલા અરજદારોને તા.૧ ફેબ્રુઆરીથી વિધિવતા રહેવા માટે બોલાવીને વૃદ્ધાશ્રમના આ પ્રકલ્‍પનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રવેશ માટેના અરજી ફોર્મ્‍સ http://girdharghar.in ઉપરથી ડાઉનલોડ કરી girdharghar01 @gmail.com ઉપર મોકલી શકાશે તથા ગીરધર ઘર મહુવા રોડ, સાવરકુંડલા, પરથી રૂબરૂ પણ મેળવી શકાશે. આ માટે સંસ્‍થાની માહિતી માટે મો.૯૩૧૩૧ ૪૮૫૦૦ ઉપર સંપર્ક થઈ શકશે.

(12:07 pm IST)