Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધોરાજી ખાતે આવેલ સરકારી હોસ્‍પિટલનાં જુના બિલ્‍ડિંગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાનો આક્ષેપ

(કિશોરભાઇ રાઠોડ દ્વારા)ધોરાજી તા. ૨૭ : ધોરાજી સરકારી હોસ્‍પિટલના જુના બિલ્‍ડિંગમાં કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ જ એ ભ્રષ્ટાચાર મામલે સરકારી બાબુઓ ઢાંક પીછોળો કરતા હોય તેમ જ સરકાર દ્વારા કોન્‍ટ્રાક્‍ટર પર કોઈ જાતની કાર્યવાહી થતી ન હોવાનો ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા એ સંનસનીખેજ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.

ધોરાજી સરકારી હોસ્‍પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્‍પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્‍ડીંગ નું નિર્માણ કરવામાં આવ્‍યું હતુ. એ ચાર માળની બિલ્‍ડિંગમાં હોસ્‍પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે ત્‍યારે નવી બિલ્‍ડિંગમાં પેશન્‍ટની સંખ્‍યા અને ડોક્‍ટરી વિભાગોને લઈ સંકળાશ પડી રહી છે. ત્‍યારે રાજાશાહી વખતનું જૂનું બિલ્‍ડીંગ પાડી ત્‍યાં નવું બિલ્‍ડિંગ બનાવી વધારાની સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્‍ટ્રાક્‍ટરને જુનુ બિલ્‍ડીંગ તોડવા કોન્‍ટ્રાક્‍ટ અપાયેલો હતો જે બિલ્‍ડીંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ઘાલમેલ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલના જુના બિલ્‍ડિંગ તોડવામાં કોન્‍ટ્રાક્‍ટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે જેમાં ખાસ કરીને રાજાશાહી સમયમાં બનેલા બિલ્‍ડીંગમાં ખૂબ જ કીમતી બર્માટીક લાકડું વપરાયું હતું એ અંદાજે ૫૦ લાખ રૂપિયાની કિંમતનું લાકડું કયાંક સગે વગે વગેરે કરી દેવામાં આવ્‍યું છે. ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં રોગી કલ્‍યાણ સમિતિ બનાવવામાં આવી છે જેમાં સરકારી અધિકારીઓની સાથે ધારાસભ્‍ય તરીકે હું પણ સમિતિનો સદસ્‍ય હતો હોસ્‍પિટલ બિલ્‍ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું મારી જાણ સમક્ષ આવતા જે તે સમયે મેં પોતે રોગી કલ્‍યાણ સમિતિ તરફથી સંબંધિત અને જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી ઉચ્‍ચકક્ષાએ પણ આ બાબતે ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું અને વિધાનસભા ગળહમાં પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત મળતી વિગતો પ્રમાણે સરકારી વિભાગો દ્વારા કોન્‍ટ્રાક્‍ટરને માત્ર નોટિસ પાઠવવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે બે વર્ષ પૂર્વે ઈમારતનો ઇમલો તોડવાનું કામ શરૂ કરવામાં આવ્‍યું હતું. મારી પોતાની આ ભ્રષ્ટાચાર સામેની અનેક રજૂઆતો હોવા છતાં સરકાર દ્વારા કે સરકારી અધિકારીઓ દ્વારા કોન્‍ટ્રાક્‍ટર સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્‍યા નથી કે ત્‍યાંથી ગુમ થયેલ ૫૦ લાખનું બર્માટીક લાકડું હાલ કયાં છે તેનો પણ કોઈ પતો લગાવવામાં આવતો નથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરતી આ ભાજપની સરકાર ની નજર સમક્ષ ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની વિરુદ્ધ રજૂઆતો ફરિયાદો કરવા છતાં પણ લાગી રહ્યું છે કે સરકાર જ આવા ભ્રષ્ટાચારોને છાવરી રહી છે.

 ધોરાજી સરકારી હોસ્‍પિટલના જુના બિલ્‍ડીંગ માં તોડી પડાયેલ ઈમલો અને ખૂબ જ કીમતી ગણાતું લાકડું કયાં અને કેવી રીતે બારોબાર સગે વગે કરવામાં આવ્‍યું અને કોના દ્વારા કરવામાં આવ્‍યું તે મામલો ખૂબ જ ગંભીર છે આ બાબતે સંબંધિત વિભાગ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ.

(1:31 pm IST)