Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પોરબંદર નગરપાલિકાએ રસ્‍તાના બ્‍યુટીફીકેશન માટે કરેલ લાખોનો ખર્ચ પાણીમાં: ડીવાઇડરોના વૃક્ષો સુકાયા

પોરબંદર,તા. ૨૭ : ચોપાટી તરફ નવા બનાવાયેલા રસ્‍તા પર ડીવાઇડરના વૃક્ષો સુકાયા છે અને નગરપાલિકાના તંત્રએ રિલાયન્‍સ ફુવારા સર્કલથી જીમ સુધીના રસ્‍તાનું બ્‍યુટીફીકેશન માટે કરેલ લાખનો ખર્ચ પાણીમાં ગયાનું કોંગ્રેસે જણાવીને તંત્રને થઇ રજુઆત કરી છે.

કોંગ્રેસના આગેવાની રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા તંત્ર કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, રિલાયન્‍સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્‍તે ચાઇનીઝ ખાણી-પીણીના ધંધાર્થીઓ નાનો-મોટો વ્‍યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જ્‍યાં નગરપાલિકાના તંત્રએ રિલાયન્‍સ ફુવારા સર્કલથી જીમ સુધીનો રસ્‍તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને તે અંતર્ગત એ ધંધાર્થીઓને ત્‍યાંથી દૂર ખસેી દીધા હતા. ત્‍યારબાદ ચોપાટી તરફ જવા માટેના રસ્‍તાને બ્‍યુટીફીકેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયો  હતો જેમાં રોડને સિમેન્‍ટનો બનાવવા સહિત વચ્‍ચેના ભાગે ડીવાઇડર બનાવીને તેમાં મોતીમાત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. અનેક વૃક્ષો ખૂબ જ મોંૅઘા અને ત્રણથી ચાર ફુટ લંબાઇ ધરાવતા અને દરિયાઇ આબોહવાને અનુકુળ એવા વાવવામાં આવ્‍યા હતા.

આ વૃક્ષો વાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાના તંત્રએ કર્યો હતો પરંતુ ત્‍યારબાદ તેના જતન અને જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું છે. તેમ જણાવીને રામદેવભાઇ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે વારંવાર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ નગરપાલીકાના તંત્રને રજુઆત કરવામાં આવતી હોવા છતાં આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે નગરપાલીકાના તંત્રએ આંખ આડા કાન કર્યા છે અને તેથી જ વૃક્ષોનો સોથ વળી ગયો છે. બાબત એ છે કે, એક બાજુ નગરપાલીકાનું તંત્ર પર્યાવરણ બચાવવાની વાત કરે છે.

(1:34 pm IST)