Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગૃપના જયસુખ પટેલ સહીત ૧૦ સામે ચાર્જશીટ

પોલીસ દ્વારા ૧૮૦૦ પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું : આગોતરા જામીન અરજી કરનાર ઓરેવા ગૃપના જયસુખ પટેલ હાલ ભુગર્ભમાં છે

રાજકોટ, તા., ર૭:  ૧૩૫ લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે પોલીસ દ્વારા મોરબી કોર્ટમાં ઓરેવા ગૃપના જયસુખ પટેલ સહીત ૧૦ સામે ચાર્જશીટ રજુ કરાયું છે.

ગત તા. ૩૦મી ઓકટોબરે મોરબીનો પ્રખ્‍યાત ઝુલતો પુલ તુટી પડતા આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. ઝુલતા પુલ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર એજન્‍સીના કર્મચારી  અને બે કોન્‍ટ્રાકટર સહીત નવ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જયારે આ દુઘર્ટના મામલે પોતાની સંભવીત ધરપકડ સામે ઓરેવા ગૃપના જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. હાલ ઓરેવા ગૃપના જયસુખ પટેલ ભુગર્ભમાં છે.

ઝુલતા પુલની દુર્ઘટના બાદ જવાબદારો સામે ગુન્‍હો દાખલ કરવા રાજય સરકાર દ્વારા અપાયેલ સુચના અન્‍વયે મોરબી બી ડીવીઝનના પીઆઇ દેકાવડીયા દ્વારા ફરીયાદી બની ઝુલતા પુલનું મેઇન્‍ટેનસ કરનાર એજન્‍સી તેમજ ઝુલતા પુલને મેનેજમેન્‍ટ સંભાળતી એજન્‍સી અને તપાસમાં જે કોઇ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવ વધ), ૧૧૪, મદદગારી મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.  આ ફરીયાદ બાદ મોરબી પોલીસ દ્વારા ૯ લોકોની ધરપકડ કરાઇ હતી. જેમાં દિપક નવીનચંદ્ર પારેખ (રહે. મોરબી), દિનેશ મહાસુખરાય દવે (રહે.મોરબી) કે જે બંન્ને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેકશન કરનાર મનસુખ વાલજીભાઇ ટોપીયા (રહે. મોરબી), મહાદેવ લાખાભાઇ સોલંકી (રહે. મોરબી), તેમજ પ્રકાશ લાલજીભાઇ પરમાર (રહે. ધ્રાંગધ્રા) (બ્રીજ રીપેરીંગ કોન્‍ટ્રાકટર), દેવાંગ પ્રકાશભાઇ પરમાર (રહે. ધ્રાંગધ્રા) (બ્રીજ રીપેરીંગ કોન્‍ટ્રાકટર) , અલ્‍પેશ ગલાભાઇ ગોહીલ (રહે. દાહોદ) , દિલીપ ગલાભાઇ ગોહેલ અને મુકેશ ચૌહાણ (ત્રણેય સિકયુરીટી ગાર્ડ)ની ધરપકડ કરાઇ હતી.  આ દુર્ઘટનામાં ઓરેવા ટ્રસ્‍ટના જયસુખભાઇ પટેલ પોતાની સંભવીત ધરપકડ સામે આગોતરા જામીન અરજી કરી હતી અને તે હાલ ભુગર્ભમાં છે. આજે તપાસનીસ અધિકારી મોરબીના ડીવાયએસપી પ્રતીપાલસિંહ ઝાલા દ્વારા દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા ટ્રસ્‍ટના જયસુખ પટેલ સહીત ૧૦ સામે કોર્ટમાં ૧૮૦૦થી વધુ પાનાનું ચાર્જશીટ રજુ કરાયું હતું.

(1:38 pm IST)