Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધ્રોલના ભુચરમોરીમાં જામનગર જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.ર૭ : ભુચરમોરી ખાતે જીલ્લા કક્ષાના ૭૪માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી રાજયમંત્રી મુળુભાઇ બેરાની અધ્‍યક્ષતામાં થઇ હતી.

મુળુભાઇ બેરાએ ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસની હરણફાળ ભરી રહેલ છે. આ પ્રસંગે નવાનગરના રાજ પરિવાર દ્વારા જામનગર જીલ્લાના વિકાસ માટે કરવામાં આવેલી કામગીરીને વર્ણવી હતી અને હાલમાં ગુજરાત સરકાર તરફથી જામનગર જીલ્લાના દ્વારકા સહિત વિવિધ સ્‍થળોએ કરોડો રૂા.ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ તેમનાસૌનો સાથ સૌનો વિકાસ સુત્રને અનુસરી કામગીરી કરી રહેલ હોવાનું જણાવેલ હતુ.

આ કાર્યક્રમ પ્રસંગે સરકારશ્રીના જુદા જુદા ૧૩ વિભાગો દ્વારા તેમના તરફથી કરવામાં આવતી કામગીરીઓનું પ્રદર્શન રૂપે (ટેબ્‍લો) રજુ કરેલ તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં એમ.ડી. મહેતા ગર્લ્‍સ હાઇસ્‍કુલ દ્વારા પીરામીડ બનાવી રાષ્‍ટ્ર ધ્‍વજ લહેરાવવામાં આવેલ. જયારે  જી.એમ.પટેલ કન્‍યા વિદ્યાલય દ્વારા પ્રાચીન ગરબો રજુ કરવામાં આવેલ.

આ પ્રસંગે જીલ્લામાં વિશિષ્‍ટ સિધ્‍ધિઓ મેળવેલ વ્‍યકિતઓનું સન્‍માન કરવામાં આવેલ. તેમજ જામનગર જીલ્લાના વિકાસ કામો માટે રાજય સરકાર તરફથી ફાળવવામાં આવેલ. રૂા.રપ લાખો ચેક માન.મંત્રી મુળુભાઇ બેરા દ્વારા કલેકટરશ્રીને અર્પણ કરાયો હતો.

ધ્રોલ કાલાવાડના ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા, જી.પં. પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, ભાજપના આગેવાન શહેર તથા તાલુકાના  કાર્યકરો નગરપંચાયત તથા તાલુકા પંચાયત તથા શૈક્ષણીક સંસ્‍થાના આગેવાનોએ હાજરી આપી હતી.

(1:38 pm IST)