Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કેશોદના ખમીદાણા ગામે તાલુકા કક્ષાના ૭૪મો પ્રજાસત્તાક પર્વમાં મામલતદારના હસ્‍તે ધ્‍વજવંદન

વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો સાથે આન બાન શાનથી પ્રજાસત્તાકદિનની ઉજવણી કરવામાં આવી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૭: રાષ્‍ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કેશોદ તાલુકા કક્ષાનો ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં  વહીવટી તંત્ર દ્વારા આન બાન શાનથી કરવામાં આવેલ હતી. ૨૬મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કેશોદ તાલુકાના ખમીદાણા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેશોદ તાલુકા મામલતદાર કે.જી.લુક્કાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રજાસત્તાકદિનની ઉજવણીના રાષ્‍ટ્રીય પર્વ નિમિત્તે ધ્‍વજવંદન, પ્રાસંગિક ઉદબોધન, રાષ્‍ટ્રીય ગીત,વળક્ષા રોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ માં પી.એસ.આઇ. ગઢવી, ફોરેસ્‍ટ ઓફીસર ગુલાબબા સુવાગીયા, કેશોદ નગરપાલિકા પ્રમુખ, સહિત મોટી સંખ્‍યામાં ગામ લોકો તેમજ મામલતદાર કચેરી સ્‍ટાફ તથા પોલીસ દ્વારા સલામી આપવામાં આવી હતી.

સ્‍કૂલના આચાર્ય શિક્ષક ગણ, મામલતદાર અને ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનારાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. પ્રજાસત્તાકદિનની ઉજવણીનો ચુંટાયેલા પ્રતિનિધિઓની પાંખી હાજરી વચ્‍ચે સતાધારી પક્ષના હોદ્દેદારોએ લાભ લીધો હતો. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ખમીદાણા ગામે યોજાયેલ ૭૪ માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માં ગામનાં આગેવાનો અને ગ્રામજનો  બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(1:40 pm IST)