Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેલાશે જબરો ખેલ ::તાલુકા પંચાયતની 15 બેઠકો માટે મતદાન... જિલ્લા પંચાયતની બેઠકો માટે જામશે જંગ: ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ નું અકળાવનારૂ મૌન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :- આવતીકાલે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો પૈકી ઝાંઝમેર ગામની એક સીટ પર ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા આમ 16 માંથી એક સીટ કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.

હવે તાલુકા પંચાયતની ૧૫ બેઠકો માટે ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી જવા માટે પુરજોશમાં પ્રસાર પ્રચારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ધોરાજી વિસ્તારમાં કુનેહ ભરી રાજનીતિના માહિર ખેલાડી લલિત વસોયા ફરી એકવાર તાલુકા અને જિલ્લા માં કોંગ્રેસનો વિજય ધ્વજ લહેરાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે જ્યારે સામાપક્ષે ભાજપને ગત સમયે 16માંથી માત્ર એક જ બેઠક મળી હતી તેનો બદલો લેવા ભાજપાના તાલુકા જિલ્લાના આગેવાનો હાલ ગામડે ગામડા ખૂંદી રહ્યા છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

બંને પક્ષોના પ્રચાર અને પ્રસાર વચ્ચે ગ્રામ્ય મતદાતાઓ નું મૌન ભારે અકળાવનારું લાગી રહ્યું છે અને બંને પક્ષો માંથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ કબજે કરશે તેના પર લોકોની મીટ મંડાઇ છે હા એક વાત ચોક્કસ આ વખતની ગ્રામ સ્વરાજની ચૂંટણી બંને પક્ષો માટે કપરા ચઢાણ જેવી છે.

(4:56 pm IST)