Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અલ્લાહના વલીની બેઅદબી અલ્લાહ સામે જંગ છે

મુફતી એ કચ્‍છ સૈયદ અલ્‍હાજ અહમદશા સાહેબ અલયહિર્રહમાનું ઉર્ષ અને તાઝીયતનો કાર્યક્રમ યોજાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : મોટા સલાયા (માંડવી-કચ્‍છ) ખાતે ઉર્ષ વ તાઝીયતે મુફતી એ કચ્‍છ યોજાયો હતો. જેમાં કચ્‍છભરમાંથી હજારો મુસ્‍લિમ બિરાદરો ઉમટી પડયા હતા. મુફતી એ કચ્‍છ સૈયદ અલ્‍હાજ અહમદશા સાહેબ બુખારી અલયહિર્રહમાનું વિસાલ રપ માહે રમઝાનુલ મુબારક થયું હતું તે સમયે કોરોનાકાળ પરાકાષ્‍ટાએ હોઈ મુફતી સાહેબનો તાઝીયતનો કાર્યક્રમ સિમિત લોકો માટે યોજાયો હતો. બાવા સાહેબ પ્રત્‍યે કચ્‍છી મુસ્‍લિમોના પ્રેમને નજર સમક્ષ કરી આપના પરિવારજનો તરફથી આ જાહેર પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો હતો જેમાં મુહિબ્‍બાને મુફતી એ કચ્‍છ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમના અઘ્‍યક્ષ ખતીબે હિન્‍દ મૌલાના ઉબૈદુલ્લાહખાન આઝમી (પૂર્વ સાંસદ, રાજયસભા)એ જણાવ્‍યું કે, જેમની પાસે ફલસફાએ મૌતની સમજ નથી તેઓ પોતાના બાપને મુર્દા કહેશે. મુફતી એ કચ્‍છ તો ઘણી મોટી હસ્‍તી છે, અલ્લાહે તમામ ઈન્‍સાનને અદમથી વજૂદ આપ્‍યો છે અને આલમે અરવાહમાં સૌને પેદા કર્યા ત્‍યારબાદ માનવી એક સ્‍થિતિમાંથી બીજી સ્‍થિતિમાં મુન્‍તકિલ (transfer - તબદીલ) થાય છે. હું કોઈને વ્‍યક્‍તિતગત નિશાન નથી બનાવતો પરંતુ તે વિચારધારાને જરૂર રદૃ કરીશ જે બુઝર્ગો - વલીઓ માટે મોત થયા હોવાના શબ્‍દોનું પ્રયોગ કરે છે. અલ્લાહના વલીની જે બેઅદબી કરે છે તે હકીકતમાં અલ્લાહ સામે જંગ કરે છે.

વધુમાં ઉબૈદુલ્લાહ ખાન આઝમીએ કહ્યું હતું કે, મુફતી સાહેબ એટલા મહાન વ્‍યક્‍તિત હતા કે તેમના થકી તેમના ઉસ્‍તાદોની ઓળખ છે, તેઓ જાયાં પઢયા તે મદરસાઓની ઓળખાણ છે, જ્‍યાં વસ્‍યા તે જિલ્લાની ઓળખ છે તેમણે દીનનો કામ કરી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ પર કોઈ અહેસાન નથી કર્યો પરંતુ તેમણે આપણા સૌની સામે રસૂલે પાક સલ્લલ્લાહો અલયહે વસલ્લમની સીરતની તસવીર પોતાના અમલો થકી રાખી છે.

મુફતી સાહેબના ઉસ્‍તાદે મોહતરમ હઝરત અબ્‍દુલમુસ્‍તફા સાહેબ આઝમી અલયહિર્રહમાના દોહિત્ર શયખુલ હદીસ ફૈઝુલ હક્ક આઝમીએ જણાવ્‍યું કે, હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમના ચાચા અબૂ તાલિબ આજીવન આપના સરપરસ્‍ત રભ પરંતુ જાહેરમાં કલમો પઢયો ન હતો તેમનું ઈન્‍તકાલ જે વર્ષમાં થયું તે વર્ષમાં જ ઉમ્‍મુલ મુઅમેનીન હઝરત ખદીજા રદિયલ્લાહો અન્‍હાનો વિસાલ થયો તો આપ સલ્લલ્લાહો અલયહે વસલ્લમએ તે વર્ષને આમુલ હુઝ્‍ન (દુઃખનો વર્ષ) કહયું. ગત વર્ષે મુફતી એ આઝમ કચ્‍છના પરિવારજનના ત્રણ સદસ્‍ય બહુ જ ટુંકા ગાળામાં વફાત પામ્‍યા તે કચ્‍છનાં મુસ્‍લિમો માટે દુઃખનો વર્ષ હતો. હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમએ કહ્યું છે કે જે વફાત પામે તેને સારા શબ્‍દોમાં યાદ કરો જો ન થઈ શકે તો ઓછામાં ઓછું મરહુમો માટે એવા શબ્‍દ ન વાપરો જેનાથી તેમના પરિવારજનોને તકલીફ થાય.

બિરાદરે મુફતી એ કચ્‍છ સૈયદ ડો. અલ્‍હાજ જહાંગીરશા હાજીમીયાં સાહેબે જણાવ્‍યું કે, જયારે જાહેલો તમારી સાથે બહેસ કરે છે ત્‍યારે તેમને સલામ કહી અને તેમનાથી અળગા થઈ જાઓ. હઝરત બિશર હાફી રહમતુલ્લાહ અલયહે ઉચ્‍ચ દરજ્‍જાના વલી હતા છતાં તેમને કુફ્રનો ફતવો આપવામાં આવ્‍યો અને ત્રણ-ચાર વખત તડીપાર કરવામાં આવ્‍યા પરંતુ અલ્લાહની નજીક તેમની શાન એ હતી કે જયારે તે વિસાલ પામ્‍યા ત્‍યારે ૪૦૦ વલીઓએ ખ્‍વાબમાં જોયું કે હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ તેમના જનાઝામાં તશરીફ લાવતા જોયા હતા.

ફરઝંદે મુફતી એ કચ્‍છ સૈયદ અલ્‍હાજ કાસમશા બાવાએ મુફતી સાહેબ દ્વારા આજીવન સ્‍થાપેલ ઈદારા અને કરેલ દીની કામોની લાંબી યાદી રજૂ કરી હતી.

અમીનશા બાવાએ બાવા સાહેબની વસીયત વાંચી સંભળાવી હતી અને તે વસીયત બાવા સાહેબના ફરઝંદોના દુકાનેથી મળી શકશે.

આજના કાર્યક્રમનો મકસદ ફકત એટલો જ છે કે મુફતી એ કચ્‍છ અને અમારા બન્‍ને ભાઈ હાજી અનવરશા, હાજી અબૂબકરશા બાવાના ઈસાલે સવાબનો છે. કોરોનાની પાબંદીના લીધે વાએઝ-ઝિયારત રાખી શકવામાં ન આવ્‍યો હતો તેથી અમારી દિલની ઈચ્‍છા હતી અને મુહિબ્‍બાને મુફતી સાહેબનો આગ્રહ હતો તેથી આજનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુસ્‍લિમ ભડાલા જમાત, મુસ્‍લિમ વાઘેર જમાત, મખદુમશા દરગાહ કમિટી, કુંભારવાડા કુંભાર જમાત, ખિદમતે ખલ્‍ક ગ્રુપ, કચ્‍છ અન્‍જુમને ઈસ્‍લામ, સુડધ્રો, ખિરસરા, લાલા જમાતે આ સઘળી વ્‍યવસ્‍થા સંભાળી છે.

મુફતી એ આઝમ કચ્‍છ દ્વારા લખાયેલ પુસ્‍તક હયાતે ઈમામે આઝમ અબૂ હનીફા ઉર્દૂમાં પ્રકાશિત કરવામાં આવી છે તેનો વિમોચન કરવામાં આવ્‍યું છે. આ કિતાબનું કમ્‍પોઝ ઉર્દૂમાં મૌલાના સિદૃીક હાજી હસન અઝહરીએ કર્યું છે.

દુઆએ ખૈર મૌલાના અલ્‍હાજ પીર સૈયદ ગુલામહુસેનશા જીલાની (લુણીવાળા)એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મૌલાના મોહમ્‍મદ સિદૃીક સિદૃીકી ખારી રોહરવાળાએ કર્યું હતું. હઝરત મખદુમશા રહમતુલ્લાહ અલયહેનો વિશાળ મેદાન હકડેઠઠ મેદનીથી ભરાયેલો રહ્યો હતો.

હાજી જુમા રાયમા, દાઉદ બોલીયા, મહંમદ સીધીક જુણેજા, સલીમ જત, હાજી અહમદ જુણેજા, ઇકબાલ મંઘરા, સૈયદ અનુબાપુ, મહંમદ આગરીયા, યુસુફ સોનારા, અસલમ સમા, બશીર મેમણ, હાજી રમજુ કુભાર, અલારખા રાઉમા, દીન મહંમદ રાયમા,ᅠ હાજી યાકુબ સોનારા, સાદીક રાયમા, ગની કુભાર (મુંબઈ),  ડો. હાસીમ હીંગોરા (કેશોદ), હસન રાયમા, હુશેન ચાવડા, રમજુ સુમરા, અલાના સુમરા, રાજેન્‍દ્રસિંહ જાડેજા ભુજ, કીશોરસિંહ જાડેજા વિઝાણ, સૈયદ તકીશા બાવા, સૈયદ તાલીમ હુશેન, રફીક બારા, શાહનવાઝ શેખ, સીધીક ત્રાયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૧.૨૧)

તસ્‍વીર - અહેવાલ

: સૈજન્‍ય :

હાજી જુમા રાયમા

ગાંધીધામ - કચ્‍છ

(12:14 pm IST)