Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છમાં વિકાસના નામે ઉદ્યોગોની દાદાગીરી : વાડીમાંથી વીજ લાઇન પસાર કરવા રામ મંદિરના લઘુ મહંત ઉપર હુમલો

લોકોમાં આક્રોશ : કંપનીઓ સામે સરકારનું મૌન : તંત્ર અને રાજકીય નેતાઓની ઓથ નીચે મસલ પાવરથી ખેતરો : વાડીઓ અને ગૌચર જમીનમાં દબાણપૂર્વક નખાતી વીજ લાઇનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કચ્છમાં ઉદ્યોગોના વિકાસના નામે સરકારે જાણે કંપનીઓને કાયદો હાથમાં આપી દીધો છે. નખત્રાણા તાલુકાના મોટી વિરણીથી નિરોણા વચ્ચેના ગામોમાં ખેતર અને વાડીમાંથી વીજ લાઈનો નાખવા માટે સન પાવર વિન્ડ ફાર્મ કંપની સામે વિરોધ છે. પવનચક્કી સાથે સંકળાયેલી આ કંપનીના ત્રણ કામદારોએ મોટી વિરાણી ગામના રામ મંદિરના લઘુ મહંત સુરેશદાસજી ઉપર હુમલો કરી તેમનો ઝભો ફાડી નાખ્યો હતો.

આ હુમલાના બનાવ બાદ લઘુ મહંત સુરેશદાસજી નખત્રાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સન પાવર કંપનીના માયાભાઈ દેસાઈ, રવિભાઈ અને મહેશ શહાની વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ લખાવી છે. જેની જાણ થતાં લોકોના ટોળેટોળાં પોલીસ સ્ટેશને ઉમટ્યાં હતાં.

દરમિયાન કચ્છના સાધુ સંતો અને આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હુમલાના બનાવ ને વખોડયો છે. મુન્દ્રા, ભચાઉ, ભુજ, નખત્રાણા, નલિયા, અંજાર, ગાંધીધામ અને માંડવી એમ કચ્છના ૮ તાલુકાઓમાં સતત કંપનીઓની દાદાગીરીની ફરિયાદ સતત ઉઠતી રહે છે. લોકોની મુશ્કેલી એ છે કે, ઉદ્યોગ કંપનીઓની દાદાગીરી ની લોક ફરિયાદો સામે સરકારે આંખો બંધ કરી દીધી છે અને સ્થાનિક વહીવટી તંત્ર ના હાથ યેનકેન પ્રકારે 'બંધાઈ' ગયા છે. એટલે હવે લોકોમાં ઉશ્કેરાટ અને વિરોધ વધી રહ્યો છે.

ખેડૂતો અને ગ્રામજનો સમૂહમાં વિરોધ દર્શાવી રહ્યા છે. વિંડ કંપનીને કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત થઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે સ્વાર્થમાં અંધ કંપનીઓ ખેતરો અને વાડીઓની જમીન ને નુકસાન પહોંચાડી ખેડૂતો અને પશુપાલકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.

(10:29 am IST)