Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબી સિરામિક ઉદ્યોગમાં રાજસ્થાનથી આવતા રો-મટીરીયલની મુશ્કેલી નિવારવા સિરામિક ઉદ્યોગકારોની ધારાસભ્યને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત

રાજસ્થાન સરકાર હાઇકોર્ટના આદેશની પણ અવગણના કરી રો-મટિરિયલ ઉપરનો પ્રતિબંધ ન હટાવતી હોવાની રજુઆત.: રો-મટીરિયલના અભાવે ટાઇલ્સની ગુણવતા ઉપર ભારે અસર પડી રહી હોવાની રાવ.

dir="ltr">મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ ઉપર રાજસ્થાન સરકારે ગુજરાતમાં મોકલવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. હાઇકોર્ટે પણ આ પ્રતિબંધને ગેરકાયદે ઠેરવ્યો હોવા છતાં હાઇકોર્ટમાં હુકમની રાજસ્થાન સરકાર દ્વારા અમલવારી કરવામાં આવતી નથી. આ સમસ્યા અંગે સિરામિક એસો.ના પ્રમુખોએ ધારાસભ્યને સાથે રાખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ રજુઆત કરી હતી.
આ રજુઆતમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, ફલોર ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ ભાડજા, સેનેટરીવેર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા તેમજ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના જોડાયા હતા.
રજુઆતમાં જણાવાયું હતું કે મોરબીનો સિરામીક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક માર્કેટમા સારૂ એવુ એકસપોર્ટ કરી રહ્યો છે અને તેમા મુખ્યત્વે રાજ્ય સરકારનો સહયોગ રહ્યો છે તેમજ મોરબીમા નવા સ્થાપેલ આશરે ૩૦ થી વધુ ફેલ્સપાર ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ છેલ્લા ૫ વર્ષથી કાર્યરત છે. જેમા રાજસ્થાનમાંથી નિકળતો ફેલ્સપાર ગીટ્ટી અને ચીપ્સ વગેરે લાવીને તેમા રહેલ ઇમ્પયુરીટી દુર કરીને કવાલીટી અપગ્રેડ કરીને મોરબીના ઉદ્યોગોને સપ્લાય કરવામા આવે છે. જેનાથી છેલ્લા ૪-૫ વર્ષથી ગુણવત્તામા સુધારો આવતા વૈશ્વિક માર્કેટમા એકસપોર્ટ વધ્યુ છે.
પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા નોટીફીકેશન નં- ૧ તા.૫/૧૦/૨૦૧૮ અને નોટીફીકેશન નં-૨ તા.૧૦/૩/૨૦૧૯ દ્વારા રાજસ્થાનથી આવતા રો મટીરીયલ્સ જેમા ફેલ્સપાર ચીપ્સ, ગીટ્ટી, લમ્સ અને ગ્રેઇન્સને પ્રતિબંધિત કરવામા આવ્યુ છે. પરીણામ સ્વરૂપે અહિના યુનિટોને બંધ કરવા પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. અને ઉદ્યોગકારો દ્વારા નામદાર રાજસ્થાન હાઇકોર્ટમા આ મુદ્દાને પડકારવામા આવ્યો અને નામદાર હાઇકોર્ટ દ્વારા તા.૧૬/૪/૨૦૨૦ ના ચુકાદા અનુસાર નોટીફીકેશન નં- ૧ તા.૫/૧૦/૨૦૧૮ અને નોટીફીકેશન નં-૨ તા.૧૦/૩/૨૦૧૯ ના નોટીફીકેશનને કાયદા વિરૂધ્ધનુ ગણીને તેને અમાન્ય ગણવામાં આવ્યું હતું. તેમ છતા રાજસ્થાન સરકાર દ્વારા આ ચુકાદાની અમલવારી શરૂ કરવામા આવેલ નથી. જેના પરીણામ સ્વરૂપે આ ફેલ્સપાર ઉદ્યોગો તેમજ વિટ્રીફાઇડના ૨૦૦ થી વધુ યુનિટોને બંધ કરવા પડે તેવી સ્થિતી નિર્માણ થઇ છે. તેમજ ક્વોલિટીમાં પણ તકલીફ પડી રહેલ છે. જેથી આ મામલે રાજસ્થાન સરકાર સાથે ગુજરાત સરકાર વાતચીત કરે.
રજુઆતના પ્રત્યુતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ હકારાત્મક અભિગમ સાથે જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાન સરકાર સાથે આ અંગે વાતચીત કરશે. સિરામિક ઉદ્યોગોને નડતા આ પ્રશ્નનું સમાધાન લાવવા સરકાર પ્રયત્નશીલ રહેશે
(10:46 am IST)