Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભુજની બજારમાં ગટરનાં પાણીના પુરથી ત્રસ્ત વ્યાપારીઓનો સત્તાધીશોને ઘેરાવ સાથે હલ્લાબોલ

ભુજઃચોમાસામાં વરસાદ પછી ભુજની મુખ્ય વણીયાવાડ બજારમાં ઉભરાતા ગટરના પાણીની કાયમી સમસ્યા પછી વ્યાપારીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ભુજ સુધરાઈની કચેરીએ પહોંચેલા વ્યાપારીઓએ પ્રમુખ લતાબેન સોલંકી અને ચીફ ઓફિસર નીતિન બોડાત ઉપર હલ્લાબોલ સાથે ઘેરાવ કરી ઉગ્ર આક્ષેપો સાથે પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ભુજની મુખ્ય બજારમાં ગટરના ગંદા પાણીના ઊમટતા પુરની પરિસ્થિતિ જાણવા વ્યાપારીઓએ પ્રમુખ અને સીઓ પાસે આગ્રહ કરતા બન્ને સ્થળ ઉપર બજારમાં પહોંચ્યા હતા. જોકે, બન્નેએ ગટરના પુરનો જાત અનુભવ કર્યા બાદ વ્યાપારીઓને એક અઠવાડિયામાં સમસ્યા દૂર કરવાની લેખિત ખાતરી આપી છે. જોકે, ભુજમાં છેલ્લા ૨૫ વર્ષથી ગટર માટે ખર્ચાયેલી ૧૫૦ કરોડ જેટલી રકમ પછીયે અત્યારે ઠેર ઠેર સમસ્યા યથાવત છે. ભ્રષ્ટાચાર અને કાગળ ઉપર થતાં કામને કારણે ભુજમાં હવે ભાજપની આબરુનું ભારે ધોવાણ થઈ ગયું છે.

(11:30 am IST)