Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પોરબંદરમાં ગાળો આપવાના મનદુઃખથી ફાયરીંગ : એકને ગંભીર ઇજા

પાલિકાના પૂર્વ કાઉન્સીલર ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇ મૈયારિયાને ફોન ઉપર ધમકી બાદ આરોપી રાજૂ રાણા ઘેર આવીને ફાયરીંગ કરતા પાડોશમાં રહેતા પ્રશાંત ઉર્ફે પપ્પુ સીસોદિયાને ગોળી લાગતા ગંભીર ઇજા : રાજકોટ ખસેડાયો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૭ : સાતમ આઠમના તહેવારોમાં ગાળો આપવાના મનદુઃખથી પૂર્વ કાઉન્સીલર ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇ મૈયારિયાને આરોપી રાજૂ રાણા ઓડેદરાએ ફોન ઉપર ધમકી આપ્યા બાદ રાત્રીના ભરતભાઇના ઘેર આવીને રાજુ રાણા ઓડેદરાએ માથાકુટ કરીને તેની પાસે રહેલી પીસ્તોલમાંથી ૨ રાઉન્ડ ફાયરીંગ કરતા તે સમયે ભરતભાઇના ઘર પાસે પાડોશી પ્રશાંતભાઇ સીસોદિયાને પડખામાં ગોળી લાગતા ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

પૂર્વ કાઉન્સીલર ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇ મૈયારિયાના પત્ની સોનલબેને ફાયરીંગ કરનાર આરોપી રાજૂ રાણા ઓડેદરા સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, સાતમ - આઠમ ઉપર ગાળો બોલવા બાબતે ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇ મૈયારિયા સાથે આરોપી રાજૂ રાણા સાથે બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખીને આરોપી રાજૂ રાણા ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇને ફોન કરીને ઘરની બહાર નીકળ તને મારી નાખવો છે તેવી ધમકી આપેલ હતી અને રાત્રીના આરોપી રાજૂ રાણા કારમાં મીલપરામાં રહેતા ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇને ઘેર આવેલ અને તેના કબજાની પીસ્તોલમાંથી ૨ રાઉન્ડ ફાયરીંગ કરેલ હતા.

ફાયરીંગ સમયે ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇના ઘરની બાજુમાં રહેતા સાહેદ પાડોશી પ્રશાંતભાઇ સીસોદિયાને જમણા પડખામાં ગોળી લાગતા ગંભીર ઇજા થતાં રાત્રે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

ફાયરીંગના બનાવમાં કમલાબાગ પોલીસ સ્ટેશનની પોલીસે આરોપી રાજૂ રાણા ઓડેદરા સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.(

(12:50 pm IST)