Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જુનાગઢમાં કોરોના દર્દીનું ર૪ કલાકમાં મોત એમ્બ્યુલન્સ ન મળતા કલાકો સુધી લાશ રઝળી

જુનાગઢનાં એક નગરસેવક સહિત ર૯ નો રિપોર્ટ પોઝીટીવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭:  જુનાગઢમાં એક કોરોના દર્દીનું ર૪ કલાકમાં મોત થયા બાદ એમ્બ્યુલન્સ ન મળતા ઘરે કલાકો સુધી લાશ રઝળતા મૃતકનાં પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો.

જુનાગઢના એક ૭૦ વર્ષીય વૃધ્ધનો મંગળવારે રાત્રી રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેને સિવિલમાં સારવાર આપી બાદમાં તેને હોમ આઇસોલેટ કરવામાં આવેલ. અને બુધવારની મોડી રાત્રે ર૪ કલાકમાં ૪ આ કોરોના દર્દીને અંતિમ શ્વાસ લઇ લેતા તેના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

રાત્રીનાં અઢી વાગ્યે આ દર્દીનું અવસાન થતા તેમનાં પરિવારજનોએ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ખાતે લઇ જવા માટે એમ્બ્યુલન્સ અંગે સિવિલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરેલ.

આ મૃતકનાં એક સ્વજને આજે સવારે એક ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે  રાત્રે અઢી વાગ્યાથી એમ્બ્યુલન્સ માટે વિનંતી કરેલ તેમ છતાં વ્યવસ્થા ન થતાં સિવિલ પર રૂબરૂ જઇને એમ્બ્યુલન્સ મોકલવા આજીજી કરી હતી. પણ બે કલાક સુધી જવાબ આપીને એમ્બ્યુલન્સ મોકલેલ નહિ.

આખરે સિવિલનાં એક કર્મચારીએ એમ્બ્યુલન્સ માટે કોર્પોરેશનનો સંપર્ક કરવાનું કહી બે પીપીઇ કીટ લઇ જવાનું જણાવી દઇ એમ્બ્યુલન્સ ન મોકલી લાશને રઝળાતી હોવાનું આ સ્વજને ટેલીફોનીક વાતચીતમાં આક્રોશ સાથે જણાવ્યું હતું.

આ સ્વજને સિવિલનાં જવાબદાર સ્ટાફ સામે પગલા લેવા અને કોવિડનાં દર્દીઓને પડતી મુશ્કેલી નિવારવા માંગણી કરી છે.

દરમ્યાનમાં ગઇકાલે જુનાગઢ જિલ્લામાં વધુ નવા ર૬ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢના એક નગર સેવક પણ સંક્રમીત થયા હોવાનું જાણવા મળેલ છે.

બુધવારે જુનાગઢનાં ૧૪, ભેંસાણ, માળીયા તથા વંથલીમાં બે-બે કેસ, તેમજ કેશોદમાં ત્રણ અને માણાવદર, મેંદરડા, માંગરોળ તથા વિસાવદરમાં એક-એક મળી કુલ ર૯ પોઝીટીવ કેસ આવતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું.

ર૯ નવા કેસની સામે ગઇકાલે રપ દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા.

(12:54 pm IST)