Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જુનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે બે મહત્વની ટ્રેઇનોને કેશોદમાં સ્ટોપ આપો

એકસપોર્ટ કોન્કલેવમાં કેશોદ ચેમ્બર ઓફ કોમર્સની માગણી

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર૭ :.. તાજેતરમાં જુનાગઢ ખાતે યોજાયેલા એકસપોર્ટ કોન્કલેવમાં સ્થાનિક કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી જણાવવામાં આવ્યુ હતું કે જો જુનાગઢ જિલ્લામાંથી અલગ-અલગ પ્રકારના વેપારને વેગ આપી વિદેશોમાં નિકાસ વધારવી હોય તો બે મહત્વની ટ્રેઇનો (૧) વેરાવળ - બાંદ્રા અને (ર) વેરાવળ - ઇન્દોરને તાત્કાલીક અસરથી કેશોદમાં સ્ટોપ આપવા જોઇએ.

જુનાગઢ ખાતે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ યોજાયેલા ઉપરોકત કાર્યક્રમમાં હાજર રહેલા ચેમ્બરના રેસ્ટી શ્રી ડાયાલાલ મોહનલાલ વેકરીયા (ર) મંત્રીશ્રી અશોકભાઇ રાપચડા તથા અન્ય આગેવાનોએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે કેશોદ - જુનાગઢ જિલ્લામાં કેન્દ્ર સ્થાને આવેલુ છે અને અહીંથી વિમાન સહિતની તમામ ટ્રાન્સપોર્ટશન સુવિધા ઉપલબ્ધ છે. પરિણામે ધંધાકિય વિકાસ માટે કેશોદમાં સારામાં સારી તકો પડેલી છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે ખાટલે મોટી ખોટ હોય તેમ (૧) વેરાવળ-બાંદ્રા ડેઇલી અને વેરાવળ-ઇન્દોર સાપ્તાદિક ટ્રેઇનને કેશોદમાં સ્ટોપ આપવામાં આવતો નથી.

આ બન્ને ટ્રેઇનાને સ્ટોપ નહિ અપાતા ઉપરોકત ધંધા સાથે સંકળાયેલા આ વિસ્તારના ઘણા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહયા છે. કેશોદમાંથી પણ સીંગાદાણા, ઘઉં, ચણા, જેવી વિવિધ આઇટેમો વિદેશમાં નિકાસ થાય છે અને તેના ખરીદનારાઓ કેશોદમાં આવે છે પરંતુ ઉપરોકત સુવિધાના અભાવે ઘણા લોકો કેશોદ આવવાનું માંડીવાળે છે.

આ સ્થિતિના નિવારણ માટે ઉપરોકત બન્ને ટ્રેઇનોને તાત્કાલીક અસરથી કેશોદમાં સ્ટોપ આપવો જરૂરી છે.

આ બેઠકમાં જુનાગઢ ચેમ્બરના પ્રમુખશ્રી વિજયભાઇ દોમડીયા, પ્રમુખ, (ર) સંજયભાઇ પુરોહિત મંત્રી સહિત સ્થાનીક જુનાગઢ, કેશોદ, માંગરોળ તથા જિલ્લાના અન્ય કેન્દ્રો ઉપરના વિવિધ નિકાસકારો તથા સબંધકર્તા સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતાં. 

(10:41 am IST)