Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આજે વિશ્વ પર્યટન દિન

વિશ્વ પર્યટન દિન (World Tourism Day) ૨૭: સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે.

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરૂકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે.

આંતરરાષ્ટ્રીય યુનિયન ઓફિસયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ મેકિસકો સિટીમાં વિશેષ એસેમ્બલી યોજવામાં આવી હતી અને સ્ટેચ્યુ ઓફ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇઝેશનના મોડલને અપનાવ્યુ હતુ.

દર વર્ષે 'વિશ્વ પ્રવાસન દિવસ' (World Tourism Day) એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે જેથી લોકોમાં આ દિવસ વિશે જાગૃતિ રહે. આ વર્ષ આ દિવસની થીમ છે 'સમાવિષ્ટ વિકાસ માટે પ્રવાસન' (Tourism for Inclusive Growth). જો તમે પણ એ લોકોમાં આવો છે કે જેમને નવી-નવી જગ્યાઓ પર જઈને ત્યાંની સુંદરતા અને ખાસિયત જોઈને તેમના જીવનમાં ખુશી મળે છે વિશ્વ પર્યટન દિવસ તમારા માટે ખાસ છે.

ભારતના પર્યટન ક્ષેત્ર પર એક નજર

ભારત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટનેસ ઇન્ડેકસ (ટીટીસીઆઈ) ૨૦૧૯માં ૧૪૦ દેશોમાંથી ૩૪ મા ક્રમે છે.

ભારતને પ્રતિવર્ષ ૧૧ મિલિયન વિદેશી પ્રવાસીઓ મળે છે, જે તેના કદ અને તે સંબંધિત સંભાવનાની તુલનામાં ખુબ નાનું છે.

પર્યટન એ દેશ માટે વિદેશી વિનિમયના મહત્વપૂર્ણ સ્રોત હોવા ઉપરાંત સંભવિત વિશાળ રોજગાર સર્જન કરે છે. વર્ષ ૨૦૧૯ સુધીમાં ભારતમાં પર્યટન ક્ષેત્રે ૨.૨ કરોડ નોકરીઓ સર્જાઈ હતી, જે દેશના કુલ રોજગારના ૮.૧ ટકા છે. ૨૦૨૮ સુધીમાં આ સંખ્યા વાર્ષિક બે ટકા વધીને ૫૨.૩ મિલિયન નોકરી થવાની ધારણા છે. પર્યટન ઉદ્યોગ ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનમાં ૯.૨% હિસ્સો ધરાવે છે અને દેશની ૮% વસ્તીને રોજગારી આપે છે. પર્યટન ક્ષેત્રે વિદેશી વિનિમય ફાળો ૨૮ અબજ ડોલર છે.(૯.ર)

લેખન

ડો. સચિન જે. પીઠડીયા,

માંગરોળ

(11:51 am IST)