Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આટકોટના લાલજીભાઇ પટેલે પડકારતા લુંટારૂઓએ પતાવી દિધા'તા

લેઉવા પટેલ પૌઢની હત્યા લુંટની ઘટનામાં મધ્યપ્રદેશના પાંચ શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચ અને આટકોટ પોલીસે ઝડપી લીધાઃ વિરનગરમાં રહેતા એક આરોપીએ લુંટની ટીપ આપી'તી પડકારરૂપ ઘટનાનો ભેદ ઉકેલનાર રૂરલ પોલીસની ટીમ ઉપર અભિનંદન વર્ષાઃ આજે પ્રેસ કોન્ફરન્સમાં એસ.પી. બલરામ મીણા વધુ વિગતો જાહેર કરશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૨૭: આટકોટના લેઉવા પટેલ પ્રૌઢની ગત તા.૮ના રોજ તેની વાડીમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ રાજકોટ રૂરલ એલ.સી.બી. અને આટકોટ પોલીસે રાત-દિવસ જોયા વગર પડકારરૂપ હત્યાનો ભેદ ઉકેલી મધ્ય પ્રદેશના પાંચ નરાધમ હત્યારાઓને ઝડપી પાડતા આ પંથકમાં રાહત ફેલાઇ ગઇ છે. સાતીર દિમાગના આ હત્યારા કોઇ પણ જાતના પુરાવા ન છોડી ગયા હોય પોલીસ પણ ગોટે ચડી હતી. પરંતુ આખરે હત્યારાઓ ઝડપાઇ ગયા છે. મૃતક લાલજીભાઇએ પડકારતા લુંટારૂઓએ પતાવી દીધાનું ખુલ્યું છે. પત્રકાર પરીષદમાં વધુ વિગતો જાહેર કરનાર છે.

મળતી વિગતો મુજબ ગત તા. ૮ ના રોજ આટકોટ-ખારચીયાની જુની સડકો ઉપર ગઢની પાછળ જ આવેલ પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાં જ વર્ષોથી મકાન બનાવી પરિવાર સાથે રહેતા લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા ઉ.વ.પ૦ ગત તા. ૮ ના રોજ વાડીએ એકલા સુતા હતાં. લાલજીભાઇના પત્નિ સુરત ખાતે રહેતા તેમના પુત્રવધુ આણુ ગયા હોય પુત્રને તકલીફ ન પડે તે માટે ગયા હતાં.

મરનાર લાલજીભાઇ બનાવના દિવસે વાડીએ એકલા પોતાના રૂમમાં સુતા હતાં એ દરમિયાન રાત્રે મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં ગામડામાં રહેતા ખેત મજુરો ચોરી કરવા પાંચ શખ્સો આવ્યા હતા આ દરમિયાન રસોડામાં અવાજ આવતા લાલજીભાઇ હાથમાં બેટરી અને લાકડી લઇ રૂમની બહાર આવી કોણ છે ? એવી બુમ પાડતા ચોરી કરવા આવેલા મજુરોએ પકડાઇ જવાની બીકે મારમારી ઉપર ઉતરી આવ્યા હતા અને માથાના ભાગે દાતરડી અને બીજા તીક્ષ્ણ હથિયારોથી લાલજીભાઇને મોતને ઘાટ ઉતારી નિરાંતે ઘરમાંથી બધો કિંમતી સામાન લઇ જતા રહ્યા હતા઼.

સવારે સગા-વ્હાલા વાડીએ જતા લાલજીભાઇનો નિષ્પ્રાણ દેહ વાડીની જોકમાં પડયો હોય પોલીસમાં જાણ કરી હતી.

સ્થાનિક પોલીસ અને ખાસ કરીને રૂરલ એલ.સી.બી.પી.આઇ. અજયસિંહ ગોહિલ અને સ્ટાફ દ્વારા રાત-દિવસ જુદા જુદા એંગલથી આ પડકાર રૂપ હત્યાનાં બનાવનાં અંકોડા મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ કોઇ અંકોડા મળતા નહોતા આખરે સૌરાષ્ટ્રની ગામે ગામની સીમમાં બાતમીદારોને કામે લગાડી બહારના ખેત મજુરોની પુછપરછ કરતાં આરોપીનો પતો લાગી ગયો હતો. અને આ પડકાર રૂપ લૂંટ વીથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

આ હત્યાનાં બનાવનાં આરોપીઓ મધ્ય પ્રદેશના અલીરાજ જીલ્લાનાં રહેવાસીઓ છે અને એમાંનો એક આરોપી આટકોટ પાસેના વિરનગર ગામની સીમમાં ખેત મજુરી કરે છે બાકીના જામનગર, ઉપલેટા પંથકમાં ખેત મજૂરી કરતા હોવાનું પણ બીન સત્તાવાર જાણવા મળ્યુ છે.

હત્યાનાં આ બનાવનો ભેદ ઉકેલનાર રૂરલ એસ. સી. બી. પી. આઇ. ગોહીલ અને આટકોટ પોલીસની કામગીરી અને આ લંૂટ વીથ મર્ડરની ઘટનાની વિગતવાર માહિતી સંભવત આજે રૂરલ એસપી શ્રી બલરામ મીણા પ્રેસ કોન્ફરન્સમાં આપશે તેવુ પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આટકોટમાં આ લૂંટ વીથ મર્ડરની ઘટનાનાં ઘેરા પડઘા પડયા હતા અને આરોપીઓ ન પકડાતા ભારે રોષ ફેલાયો હતો પરંતુ પોલીસે આ પડકાર રૂપ હત્યાનાં આરોપીને પકડી લેતા પોલીસ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. 

(11:53 am IST)