Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જસદણ પંથકના ગામોમાં વરસાદના પગલે ૬૦૦ વીઘા જમીનમાં ઉભેલા મગફળીના પાકને વ્યાપક નુકસાન, ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવાની ભીતિ

જસાપર, વિરનગર, ગુંદાળા, પીપળીયા, જીવાપર, પાંચવડા, કાનપર, ખારચીયા, આટકોટ, સાણથલી સહિતના ગામોમાં નુકસાનઃ ચોમાસામાં સામાન્ય વરસાદ પડ્યો હોવાથી તળાવ કે ચેકડેમમાં પાણી નથી ભરાયાઃ જેના પગલે ખેડૂતો હવે રવી પાક લઈ શકે તેવી

(નરેશ ચોહલીયા દ્વારા )જસદણ, તા.૨૭: રાજકોટ જિલ્લાના જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગત શનિવારે પડેલા વરસાદના કારણે અંદાજીત ૬૦૦ વીદ્યા જમીનમાં ઉભેલો ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક વરસાદના કારણે પલળી જતાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. હાલ જસદણ પંથકના ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જશે અને ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે જસદણ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ જેવા કે, જસાપર, વિરનગર, ગુંદાળા, પીપળીયા, જીવાપર, પાંચવડા, કાનપર, ખારચીયા, આટકોટ, સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦૦ વીદ્યા જેટલી જમીનમાં ખેડૂતોએ વાવેલ મગફળીના પાકના પાથરા પાથરી દીધા હતા. પરંતુ ખેડૂતોએ મગફળીના કરેલા પાથરા ગત શનિવારે પડેલા વરસાદના પગલે પલળી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. એકબાજુ ખેડૂતોએ મોંદ્યા ભાવના મગફળીના બિયારણ અને ખાતરના ખર્ચ કરી નાખ્યા હતા અને ખેડૂતોને મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે કુદરતે કહેર મચાવતા ખેતરમાં પડેલ મગફળીનો તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. બીજીબાજુ જસદણ પંથકમાં ચોમાસામાં સામાન્ય વરસાદ પડ્યો હોવાથી તળાવ કે ચેકડેમમાં પાણી નથી ભરાયા. ત્યારે ખેડૂતો હવે રવી પાક લઈ શકે તેવી સ્થિતિ નથી. જેના પગલે જસદણ પંથકના ખેડૂતો માટે આ વર્ષ ચિંતા જનક બની જવા પામ્યું છે. જેથી હવે સરકાર દ્વારા જસદણ પંથકના ખેડૂતોને થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય આપી ખેડૂતોના વહારે આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અમારા ગામમાં છેલ્લા ૧૫ દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમારો ખેડૂતોનો તૈયાર થયેલો મગફળીનો પાક અમને કોઈ વળતર આપે તેવી પોઝીશન નથી. અમારે ખેડૂતો પાસે પૈસા ન હોય તો ઉછીના અને વ્યાજે લાવીને મોંદ્યાદાટ બિયારણ અને ખાતર નાંખી લાવણી કરીને પાક તૈયાર કરીએ છીએ. પરંતુ અમારી મગફળી તૈયાર થતા વરસાદના કારણે અમારો તૈયાર પાક પલળી જતા ભારે નુકસાન થયું છે. અત્યારે ખેડૂતોના ખર્ચે નીકળે તેટલું પણ વળતર મળે તેવી કોઈ શકયતાઓ નથી. અમારી મગફળી છેલ્લા ૨૫ દિવસથી પલળી રહી છે. તેમ ખેડૂત દિનેશભાઇ રામાણીએ જણાવ્યુ છે.

અમારા ગામની અંદર હજારો વીદ્યા જમીનમાં તૈયાર થઈ ગયેલી મગફળી વરસાદના લીધે પલળીને ખરાબ થઈ ગઈ છે. વરસાદમાં અનેક ખેડૂતોએ કરેલા મગફળીના પાથરા પણ તણાઈ ગયા છે. ખેડૂત જગતનો તાત છે પણ સરકારે ખેડૂતોને સાવ કાઢી નાંખ્યા છે અને સરકાર ખેડૂતોને સહાય આપવાના બદલે અદાણી અને રિલાયન્સને સહાય કરે છે. તેમ ખેડૂત ભીખાભાઇએ જણાવ્યુ છે.

(12:00 pm IST)