Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબીમાં એકસપોર્ટ કોન્કલેવમાં સિરામિક, પોલીપેક સહિત ૩૦૦થી વધુ એકસપોર્ટર તેમજ ઉદ્યોગ સાહસિકો જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૭: મોરબીમાં આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક એસોસીએશનના સહિયારા પ્રયાસોથી એકસપોર્ટ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં સીરામીક ઉપરાંત પોલીપેક સહિતના અન્ય ઉદ્યોગકારોએ પણ રસ દાખવી તજજ્ઞો પાસેથી નિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર મોરબી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સીરામીક એસોશિએશનના સંયુકત ઉપક્રમે અહીંની હોટેલ ફર્ન રિસોર્ટ ખાતે એકસપોર્ટને ઉતેજન આપવા એક દિવસીય કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના નવલોહિયા ૩૦૦ થી વધારે ઉદ્યોગ સાહસિકો ઉત્સાહભેર જોડાયા હતા અને એકસપોર્ટ અંગે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

એકસપોર્ટ કોન્કલેવમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી. ભાટિયા, એસબીઆઇના યાદવેન્દ્રકુમાર, રાકેશ કુમાર, ફોરેન ટ્રેડ પોલિસી એકસપર્ટ મનીષ જૈન, મોરબી સીરામીક એસોસીએશનના મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદ ભાડજા, કિરીટભાઈ પટેલ અને જગદીશભાઈ પનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(1:20 pm IST)