Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જામનગરમાં તળાવ મધ્યે ઐતિહાસિક લાખોટા મ્યુઝિયમ પર બપોરે વીજળી પડી : લાખોનું નુકશાન થયાનો અંદાજ

સમગ્ર મ્યુઝીયમના સીસીટીવીનું નેટવર્ક ઠપ્પ: લાઈટીંગ શોની લાઈટોમાં ઉપરાંત સ્ટ્રક્ચરને પણ કેટલાક ભાગોમાં નુકશાન

જામનગર:  શહેરની મધ્યે તળાવની વચ્ચે આવેલ ઐતિહાસિક એવા લાખોટા મ્યુઝીયમનું થોડા વર્ષો પૂર્વે જ રેસ્ટોરેશન કરાયું હતું,સમગ્ર લાખોટા તળાવની પાળ સાથે દુર દુરથી આવતા પ્રવાસીઓ માટે મ્યુઝીયમ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર છે, વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે, એવામાં ગત શનિવારે સામાન્ય વરસાદ વચ્ચે આ મ્યુઝીયમમાં બપોરે 3 વાગ્યા આસપાસ વીજળી પડી હતી, જે વીજળી પડતા લાખોનું નુકશાન થયાનો અંદાજ મનપાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનીગ શાખા દ્વારા કાઢવામાં આવ્યો છે.

મ્યુઝીયમ ખાતે ક્યુરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ આ વીજળી પડવા અંગેની જાણ કરી હતી,વીજળી પડવાની તીવ્રતા એટલી હતી કે સમગ્ર મ્યુઝીયમના સીસીટીવીનું નેટવર્ક ઠપ્પ થઇ જવા પામ્યું છે, જયારે લાઈટીંગ શોની લાઈટોમાં પણ નુકશાન ઉપરાંત સ્ટ્રક્ચરને પણ કેટલાક ભાગોમાં નુકશાની વીજળી પડવાને કારણે પહોચી છે, આ અંગે નુકશાનીનો અંદાજ મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા દ્વારા 22 લાખ જેટલો કાઢવામાં આવ્યો હોવાનું જણાવી કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીએ વધુમાં કહ્યું કે આ ઘટના અંગે કમિશ્નર, જીલ્લા કલેકટર અને ડીઝાસ્ટર મામલતદારને લેખિત જાણ પણ કરી દેવામાં આવી છે.હવે જે નુકશાન થયું છે તેને ફરીથી પૂર્વવત આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

-શું છે આ લાખોટા મ્યુઝીયમ...

લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી અને રક્ષણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખના કામ અંતર્ગત આ પ્રોજેકટ માટે કુલ 18 કરોડના કામો થયા છે.લાખોટા કોઠાનો ઇતિહાસ જોઇએ તો લાખોટા તળાવની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર લાખોટા કોઠો સ્થિત છે. ઇ.સ.1834, 1839 અને 1864 ના નિષ્ફળ ચોમાસા દરમિયાન શ્રી જામ રણમલજી-2 ના હુકમથી આ કોઠાનું દુષ્કાળ રાહત માટે નિર્માણ થયેલ છે. હકીકત તો એવી છે કે આ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું. જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયો હતો. આ કિલ્લો હવે લાખોટા પેલેસ તરીકે પણ ઓળખાય છે અને તે હાલમાં લાખોટા મ્યુઝિયમ ધરાવે છે. ઇ.સ.1964માં નવાનગર રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા આ સંગ્રહાલયનું નિર્માણ કરાયુ હતું.

ભૂતકાળમાં આવેલ ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા તેમજ સંગ્રહાલયનું કાયાકલ્પ કરીને સ્થાપત્યના સાચા મહિમાના ગંતવ્યને ફરી સ્થાપિત કરવા જરૂરી હતા. મ્યુઝિયમમાં થયેલ કામગીરી જોઇએ તો આ પ્રદેશની જૂનવાણી પધ્ધતિથી રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, કોઠાની અંદર તેમજ બહારના પાથવેનું ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણી સ્થાપત્યનું રી પ્રોડકશન વર્ક, કોઠાના દરેક બારીદરવાજા તેમજ છતમાં રહેલ લાકડાનું કન્સોલીડેશન વર્ક, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ, જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર માટે મૂકવામાં આવેલ છે, લાખોટા કોઠા પર જુદી-જુદી જગ્યોઓએ રણમલ તળાવના વિભિન્ન દ્રશ્યો અને ખાસ કરીને બર્ડ વોચર્સ માટે બાઇનોકયુલર્સ ગોઠવવામાં આવેલ છે,

(8:25 pm IST)