Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ ખંભાળિયા ખાતે યોજાયો

કાર્યક્રમમાં જિલ્લાના ૬૮૯ ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્ર તેમજ ૧૧૦ ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ કરારપત્ર એનાયત કરાયા

દેવભૂમિ દ્વારકા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાઉન હોલ ખંભાળિયા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૬૮૯ ઉમેદવારોને રોજગાર નિમણૂક પત્ર તેમજ ૧૧૦ ઉમેદવારોને એપ્રેન્ટિસશિપ કરારપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

આ તકે ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારે જણાવ્યું કે, યુવાઓને રોજગારીની તકો મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા એક લાખ યુવાનોને રોજગારી આપવાના લક્ષ્યાંક સાથે છેલ્લા પાંચ મહિનામાં ૯૩૦ ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળાઓના માધ્યમથી ૧,૨૯,૦૩૬ ઉમેદવારોને રોજગારી મળી છે. જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૫ ભરતીમેળાઓ યોજીને ૬૮૯ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. તેમજ ૧૧૦ ઉમેદવારો એપ્રેન્ટિસ તરીકે પસંદગી પામ્યા છે. અને આજે આ ઉમેદવારોને રોજગાર/ એપ્રેન્ટિસ નિમણૂક પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં જણાવ્યું કે, નોંધનીય છે કે જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૭૬૮૫ યુવાઓને રોજગારી આપવામાં આવી છે. તેવી જ રીતે રોજગાર કચેરીની વિવિધ યોજનાઓનો લાભ યુવાઓ મેળવી રહ્યા છે

આજના આ શુભ દિવસે યુવાઓ ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હાલમાં યુવાઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. અને  યુવાઓ અહીં તાલીમ મેળવીને વિવિધ ક્ષેત્રોમાં આગળ પણ વધી રહ્યા છે. ત્યારે યુવાઓ આ વિવિધ તાલીમોનો લાભ મેળવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેમ આજના આ શુભ દિવસે ભગવનશ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું.

આ કાર્યક્રમ દરમિયાન યુવાઓએ  રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ વી.ડી.મોરી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપભાઈ પિંડારિયા, નગરપાલિકા સદસ્ય રેખાબેન, ઇન્દ્રજીતસિંહ પરમાર, અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ રોજગાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(12:46 am IST)