Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

૧૭ વર્ષ જુના લાંચના કેસમાં ભાટીયાના મેડીકલ ઓફીસર ડો.પવનસિંહ બળવંતસિંહને ૩ વર્ષની કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦ દંડ ફરમાવતી દ્વારકા સેસન્‍સ અદાલત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.,ર૭: કલ્‍યાણપુર તાલુકાના બાંકોડી મુકામે રહેતા નીરૂબેન પટેલ દાયણ અંગેની ટ્રેનીંગ લઇ બાંકોડી તથા આજુબાજુના ગામે નોર્મલ ડીલેવરી કરાવતા અને જરૂર પડે તો સરકારી દવાખાને સાથે જતા સરકારી દવાખાનામાં આ દરમ્‍યાન વર્ષ ૨૦૦૫માં ભાટીયા મુકામે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો.પવનસિંહ બળવંતસિંહે દાયણ નીરૂબેન પટેલના બાંકોડી મુકામે આવી તમો ડીગ્રી કે સર્ટીફીકેટ વગર પ્રેકટીસ કરી દર્દીને દવા, ઇંજેકશન આપો છો અને કેસ બગાડી નાખો છો તમારૂ દાયણ સર્ટીફીકેટ રદ કરાવી નાખવાનું જણાવેલ અને તેમના પતિ-ફરીયાદી દિલીપભાઇ છગનભાઇ કણસાગરાને મળી જવા જણાવતા ફરીયાદી દિલીપભાઇ ડો.પવનસિંહને મળેલ અને તેમણે તેમની પત્‍ની વિરૂધ્‍ધ લેખીત રજુઆત ન કરવા તેમને દર મહિને રૂા.૧૫૦૦ આપવા પડશે જેથી ફરીયાદીએ રૂા. ૧પ૦૦ આપેલ અને ત્‍યાર બાદ દર મહીનાની ૧ થી પ તારીખ સુધીમાં રૂા. ૧પ૦૦ નો હપ્તો પહોંચાડવા તેમ નક્કી થયેલ.

આ અંગેની ફરીયાદ દાયણ નીરૂબેન પટેલના પતિએ એ.બી.સી. કચેરી જામનગર ખાતે ફરીયાદ કરતા અને તે અંગેનું છટકુ ગોઠવવામાં આવેલ અને પી. આઇ. જે. જે. પટેલે ભ્રષ્‍ટાચાર અધિનીયમની કલમ-૭, ૧૩ (૧) ડી, ૧૩ (ર) મુજબ નોંધ તે અંગે એ. સી. બી. ગુ. ર. નં. ૪/ર૦૦પ થી ગુન્‍હો નોંધી ચાલુ માસના હપ્તાની રકમ આપવાની હોય જે અંગે તા. પ-૪-ર૦૦પ ના છટકૂ ગોઠવતાં પંચો રૂબરૂ આરોપી ડો. પવનસિંહ બળવંતસિંહે લાંચની રકમ પાવડર વાળી નોટો રૂા. ૧પ૦૦ સ્‍વીકારતા લાંચના છટકામાં ઝડપાઇ ગયેલ અને ત્‍યારબાદ આ કેસની તપાસ કે. ટી. માંજરીયા અને બી. વી. જાનીએ કરેલ અને જરૂરી રેકર્ડ આરોપીનું મેળવી એફ. એસ. એલ. સર્ટી. મેળવી ચાર્જશીટ કરેલ અને નામદાર એડીશનલ સેશન્‍સ અદાલત દ્વારકાના સેશન્‍સ જજ શ્રી પી. એચ. શેઠની કોર્ટમાં એ. સી. બી. કેસ નં. ૩-ર૦ર૦ થી ચાલી જતાં ફરીયાદી, પંચ, રેડીંગ ઓફીસર વિગેરેની જૂબાની અન્‍વયે જિલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર. ચાવડાની દલીલો ધ્‍યાને લઇ મહે. દ્વારકાના એડીશનલ સેશન્‍સ જજ શ્રી પી. એચ. શેઠનાએ આરોપી ડો. પવનસિંહ બળવંતસિંહને તકસીરવાન ઠેરવી ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનીયમની કલમ ૭ હેઠળ બે વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા. પ૦૦૦ દંડ તથા કલમ ૧૩ (૧) ડી તથા ૧૩ (ર) માં ત્રણ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂા. પ૦૦૦ ના દંડની સજા ફરમાવતાં લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.

(1:35 pm IST)