Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં ગરબા સ્થળો પર મતદાર જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવશે

મતદાન અંગેની પ્રક્રિયાથી વાકેફ થવા માટે EVM - VVPAT નિદર્શન નિહાળવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ

અમરેલી:ભારતના ચૂંટણીપંચ દ્વારા દેશના મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત્તિ વધે અને વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના મહાપર્વ સમાન આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે નવરાત્રિમાં  જિલ્લા અને તાલુકા કક્ષાએ ગરબા સ્થળો પર મતદાર જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લાના મોટા ગરબા આયોજકોના સહયોગથી વ્યાપક મતદાર જાગૃત્તિ અભિયાનને સાર્થક બનાવવામાં આવશે.

તા.૦૧.૧૦.૨૦૨૨ની લાયકાતની  સ્થિતિએ અઢાર વર્ષ પૂર્ણ થતા હોય, તેવા ભારતીય નાગરિકો મતદાર તરીકે પોતાના નામની નોંધણી કરાવી શકશે. આથી લાયકાત ધરાવતા અને અમરેલી જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા વધુમાં વધુ યુવા નાગરિકો  મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો સુચારુ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલા જુદાં - જુદાં પ્લેટફોર્મ મારફત પણ નાગરિકો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જેમાં Voter Helpline Mobile App ( Android/iOS) ,  https ://voterpportial.eci.gov.in   અને https://nvsp.in/ નો સમાવેશ થાય છે. વધુ માહિતી અને વિગતો પણ તે માધ્યમથી મળી રહેશે. વધુમાં મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન ટોલ ફ્રી નં.૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લામાં EVM - VVPAT નિદર્શન શરુ છે. આથી વધુમાં વધુ લોકોને આ પ્રદર્શનમાં ભાગ લેવા તેમજ ચૂંટણી તેમજ મતદાન અંગેની પ્રક્રિયાથી વાકેફ થવા માટે EVM - VVPAT નિદર્શન  નિહાળવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(11:26 pm IST)