Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કચ્છના કોટડા ગામે અજંપાભરી શાંતિ : કુહાડીથી જીવલેણ હુમલો કરનાર ૫ આરોપીની ધરપકડ

આઇજી, એસપી સહિત કાફલો સતત તૈનાત : આરોપીઓ સામે કડક પગલા ભરવા રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કચ્છના નખત્રાણા તા.ના કોટડા જળોદર ગામે પટેલ પરિવારના લગ્ન પ્રસંગે ઘર પાસે મુસ્લિમ યુવાનને ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવવાની ના પાડતાં બાઈક ચાલક દ્વારા કુહાડી વડે હુમલો કરાયા બાદ બે જૂથ વચ્ચે તડાફડી સર્જાઈ હતી.

આ મામલે ૩૬ વર્ષીય કાંતિલાલ નાયાણી (પટેલ) કુહાડી વડે હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે અરવિંદ કાંતિલાલ નાયાણીએ સાલે જાફર કુંભાર, અશરફ મામદ કુંભાર, ઈભલા જુસા કુંભાર, આસિફ સાલે કુંભાર અને આરીફ સાલે કુંભાર સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી તમામની ધરપકડ કરી લીધી છે. જોકે, કોટડા ગામે બનેલા હુમલાના બનાવ બાદ કેબિનમાં આગચંપી તેમ જ આરોપીઓના ઘર પાસે થયેલ આગજની ના બનાવને પગલે ગામમાં અજંપો સર્જાયો હતો.

દરમિયાન પોલીસે સતર્કતા દાખવીને ઝડપી પગલાં ભર્યા હતા. બોર્ડર રેન્જ આઇજી મોથાલિયા તેમ જ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ સહિત પોલીસ કાફલો રાતથી જ કોટડા ગામે તૈનાત છે. ગામના સરપંચ પ્રેમજી ભગતે શાંતિ જાળવવા અપીલ કરી છે. જયારે ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેદુહાલ મુસ્લીમીન સંસ્થાના શકીલ સમાએ પોલીસ સમક્ષ કડક પગલાં ભરવાની રજૂઆત કરી છે. પાટીદાર સમાજ અને હિન્દુ યુવા સંગઠને બનાવને વખોડી જરૂર પડે કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવી છે.

(10:07 am IST)