Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કવિયત્રી પારૂલ બારોટને અંજુ-નરશી પારિતોષિક અપાશે

વેળાવદર,તા.૨૭ : બોટાદના અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બાલ વિચાર પરિવાર દ્વારા દર બે વર્ષે અપાતાં અંજુ -નરશી પારિતોષિક એવોર્ડ સમારોહ છારોડી ગુરુકુળ,અમદાવાદ ખાતે ૨૮  રવિવારના રોજ આયોજિત કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કવિયત્રી સુશ્રી પારૂલબેન બારોટને બાળગીતના તેમના પુસ્તક ''ખો ખો રમતું કબુતર'' માટે ૨૦૨૧નું અંજુ નરશી પારિતોષિક રવીન્દ્ર અંધારિયાના ''પર્યાવરણ કથાઓ'' પુસ્તકના સંયુકતરૂપે અર્પણ થશે.આ એવોર્ડમાં ૨૧૦૦૦ પુરસ્કાર રાશી,શાલ મોમેન્ટો આપવામાં આવે છે.

સુશ્રી પારુલ બારોટ ગુજરાતી લેખક મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારીના સભ્ય તરીકે કાર્યરત છે. તેમના સાત પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે.  ''ત્રિદલ''નામથી સોનેટ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરનાર તેઓ ગુજરાતી સાહિત્યના એક માત્ર કવિયત્રી છે.પારૂલ બારોટનું આઠમું પુસ્તક ગઝલ સંગ્રહ ''સુર્યોદય થયો'' આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના કરકમળોથી લોકર્પિત થશે.તેઓ લાંબા સમય સુધી જયહિન્દ તથા ગુજરાત ગાર્ડિયનમાં કોલમ પણ લખતાં રહ્યાં છે.

આ સમારોહમાં ગુજરાતના મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ,મનોહર ત્રિવેદી,બળવંત જાની વગેરે હાજર રહેશે.શ્રી રવજી ગાબાણી કાયૅક્રમનું સંકલન કરી રહ્યાં છે.

(11:50 am IST)