Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગોંડલ પાસે અકસ્માતમાં દંપતિ ખંડિત

પતિની નજર સામે જ નવાગામના દયાબેન ત્રાડાનું મોત : પૂર્વ રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયા ઇજાગ્રસ્તના વ્હારે આવ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૭ : ગોંડલ નજીક નેશનલ હાઈવે અકસ્માત માટે કુખ્યાત બની ગયો હોય છાશવારે માનવ જિંદગી હોમાઇ રહી છે ત્યારે શુક્રવારના જામવાળી ચોકડી વચ્ચે ટ્રકે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજયું હતું બનાવ વેળાએ પૂર્વ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હોય તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્તની વહારે આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ભાદર ડેમ નવાગામ રહેતા અને ખેતીકામ કરતા વ્રજલાલ બાવનજીભાઇ ત્રાડા ઉમર વર્ષ ૪૨ તેમજ તેમના પત્ની દયાબેન સુરત ખાતે ભાણેજ ના લગ્ન હોય ગોંડલ જવેલરીને ત્યાંથી સોનાના દાગીના ખરીદી કરી પરત નવાગામ આવી રહ્યા હતા ત્યારે જામવાળી ચોરડી વચ્ચે ટ્રકે અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં દંપતી રોડ પર પટકાતા દયાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. જયારે વ્રજલાલ ગંભીર રીતે ઘાયલ થયેલા હોય દરમિયાન પૂર્વ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા ત્યાંથી પસાર થતાં તેઓએ તુરંત જ રોકાઈ જઈ ૧૦૮ સહિત એમ્બ્યુલન્સને બોલાવી સારવારની વ્યવસ્થા કરાવી હતી.

અકસ્માતના બનાવ અંગે ગોંડલ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિયેશનના પ્રમુખ યોગેશભાઈ કયાડાએ જણાવ્યું હતું કે વ્રજલાલભાઈ હજુ સવારે જ માર્કેટિંગ યાર્ડમાં મળવા આવ્યા હતા અને જેની થોડી કલાકો બાદ જ તેના અકસ્માતના સમાચાર મળતા અમે સ્થળ પર અને દવાખાને પહોંચી કાર્યવાહી શરૂ કરાવી હતી. વ્રજલાલ ભાઈને સંતાનમાં બે પુત્રો છે. જેમાં એક પુત્ર ભરૂચ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે ત્યારે નાનો પુત્ર રાજકોટ અભ્યાસ કરી રહ્યો છે. પતીની નજર સામે જ પત્નીનું કરૂણ મોત નિપજતા નાના એવા નવાગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

(11:52 am IST)