Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશને અન્નસુરક્ષા આપતી ભારતીય ખાદ્ય નિગમ દ્વારા 'ભારતનો અમૃત મહોત્સવ'ની રાજકોટ-જામનગર ખાતે ઉજવણી

રાજકોટઃ ભારત સરકાર દ્વારા દેશની આઝાદીની ૭પ મી વર્ષગાંઠ નિમિતે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા રાજકોટ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ગોવીંદભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. શ્રી ગોવીંદભાઇ પટેલે આઝાદી બાદ અનાજના વિકાસ અને પુરવઠામાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની ભુમીકાનું વર્ણન કરતા સામાન્ય જનતાને અન્ન પુરૂ પાડવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું. તેમજ એમણે કોરોના પરિસ્થિતિમાં પણ એફસીઆઇના કર્મચારીઓ દ્વારા સૌરાષ્ટ્રના ખુણે ખુણે વસેલા ગરીબ લોકો માટે રાજય સરકાર / પુરવઠા નિગમ  સાથે મળીને અનાજનું અવિરત વિતરણ કરવા બદલ બિરદાવ્યા હતા. આ માટે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં ગરીબો માટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં મફતમાં અનાજ આપવાની જાહેરાત બદલ આભાર વ્યકત કર્યો હતો અને ગયા એપ્રિલ ૨૦૨૦ થી લઇને આજ સુધી આ સ્કીમ મારફતે ગરીબ લોકોને મફતમાં અનાજ ફાળવાઇ રહયું છે એવી જાણકારી આપી હતી.

શ્રી ગોવિંદભાઇ પટેલે દેશને આઝાદ કરવા પોતાનો જીવ ન્યોછાવર કરનારા શાહિદોને ભારે હ્ય્દયે યાદ કર્યા હતા અને આપણે બધાને આઝાદી પહેલાના કપરા કાળને ભુલવો ન જોઇએ અને દરેક વ્યકિતને દેશમાં એકતાનું વાતાવરણ બનાવા માટે પ્રેરણા આપી હતી.

વધુમાં જણાવ્યું હતુ કે કુપોષણને નાબુદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટુ પગલુ એ મધ્યાન ભોજનમાં બાળકોને ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણનું છે. જેમાં વિવિધ પ્રકારના વિટામીન  બી-૧ર, આયર્ન, ફોલીક એસીડ અને અન્ય પોષક તત્વોનો પુરતો જથ્થો છે. જે બાળકોના માનસીક એવમ શારીરીક વિકાસમાં ખુબ મહત્વના છે.

આ કાર્યક્રમની અધ્યક્ષતા રાજકોટના મંડપ પ્રબંધક શ્રી પ્રવીણ રાઘવનએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ફુડ અને સિવિલ સપ્લાય વિભાગ, રાજકોટના ડીએસઓ શ્રી પ્રશાંત મંગુડા અને પુરવઠા નિગમ, રાજકોટના શ્રી પ્રકાશ સખીયાએ હાજર રહયા હતા અને કાર્યક્રમની સફળતા માટે એફસીઆઇના મંડળ પ્રબંધકને અભિનંદન પાઠવ્યા હતા. આવી જ રીતે જામનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ હાજરી  આપી સરકારની વિવિધ યોજનાઓની માહીતી આપી હતી. તેનો લાભ લેવા પ્રજાને અપીલ કરી હતી.

(1:16 pm IST)