Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમિતભાઇ-યોગી આદિત્‍યનાથ સહિતના રાષ્‍ટ્રીય નેતાઓ સૌરાષ્‍ટ્રમાં

સૌરાષ્‍ટ્રને ધમરોળતા સ્‍મૃતિ ઇરાની, પુરૂષોતમભાઇ રૂપાલા સહિતનાં કેન્‍દ્રીય મંત્રીઓ

રાજકોટ તા. ર૬ : વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્‍યો છે ત્‍યારે આજે કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની, પુરૂષોતમભાઇ રૂપાલા સહિતના નેતાઓ સૌરાષ્‍ટ્રને ધમરોળી રહ્યા છે.

આજે સવારે ૧૧ વાગ્‍યે જાફરાબાદ, બપોરે ૧ વાગ્‍યે તળાજા, ર.૩૦ વાગ્‍યે ભાવનગર જીલ્લાના મહુવા, સાંજે પ.૩૦ વાગ્‍યે વડોદરા અને રાત્રે ૮ વાગ્‍યે અમદાવાદમાં શ્રી અમિતભાઇ શાહ, જાહેરસભા સંબોધશે.

આ ઉપરાંત આજે સવારે સોમનાથમાં ૧૦.૩૦ વાગ્‍યે યોગી આદિત્‍યનાથ,  બપોરે ૧ર.૩૦ વાગ્‍યે ગારીયાધાર, બપોરે ર વાગ્‍યે  સાવરકુંડલા ખાતે જાહેર સભા સંબોધશે.

જયારે કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની બપોરે ૩ વાગ્‍યે કોડીનાર અને સાંજે જુનાગઢમાં ર સભા સંબોધશે.

જયારે કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, બપોરે કુતીયાણા, સાંજે ભાયાવદર અને ગોંડલમાં જાહેરસભા સંબોધશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : તળાજા ખાતે આજે બપોરે ૧ કલાકે દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ આવી રહ્યા છે.  ભાવનગર જિલ્લાની મોટાભાગની બેઠકો ઉપર કસોકસનો જંગ છે. ત્‍યારે વડાપ્રધાન બાદ હવે ગૃહમંત્રી તળાજા વિધાનસભા બેઠકના ઉમેદવાર ગૌતમભાઇ ચૌહાણના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. અમિતભાઇ શાહ રામપરા રોડ પર આવેલી કોળી સમાજની વાડી ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અમિતભાઇ શાહના આગમનના પગલે જબરો ઉત્‍સાહ જોવા મળે છે. શાહના આગમન પૂર્વ ઉર્વશી રાદડિયા અને ઉમેશ બારોટ લોકગીત -સંગીતની રમઝટ બોલાવશે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : વિધાનસભા ચૂંટણીના જાહેર પ્રચાર પડધમ શાંત થવાને આડે જુજ દિવસો બાકી છે. ત્‍યારે ભાજપનાં સ્‍ટાર પ્રચારકો વગેરેએ પાર્ટીના ઉમેદવારોનાં સમર્થનમાં ચૂંટણી પ્રચારને વધુ વેગીલો કર્યો છે.

ત્‍યારે કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઇરાની કોડીનાર થઇને આજે સાંજે જૂનાગઢ બેઠકમાં ભાજપના ઉમેદવાર સંજયભાઇ કોરડીયાના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

સ્‍મૃતિ ઇરાની સાંજે ૬ કલાકે સત્‍યમ પાર્ટી પ્‍લોટ ખાતે અને બાદમાં રાત્રે ૭:૩૦ કલાકે રાયજી બાગ ખાતે જાહેરસભાને સંબોધશે.

કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીની જૂનાગઢમાં બે જાહેરસભાને લઇ પાર્ટીમાં આગેવાનો-કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તે છે.

(11:30 am IST)