Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મોરબી સિવિલમાં તબીબ ઉપર હુમલો : તબીબોની વીજળીક હડતાળ બાદ મામલો થાળે પડ્યો

એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ : હુમલો કરનાર દર્દીના સગા વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ

મોરબી : કોરોના કાળમાં લોકો ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે આજે મોરબી સિવિલમાં વહેલો વારો લેવા મુદ્દે દર્દીના સગાએ તબીબ ઉપર હુમલાનો પ્રયાસ કરતા તમામ તબીબો વીજળીક હડતાળ ઉપર ઊતરી ગયા હતા જો કે તાબડતોબ દોડી આવેલ એ ડિવિઝન પોલીસે મામલો થાળે પાડતા અડધો કલાકમાં તબીબોની હડતાળ સમેટાઈ હતી. બીજી તરફ તબીબ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર દર્દીના સગા વિરુદ્ધ હાલ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્ચે આજે સિવિલ હોસ્પિટલમાં તબીબ ઉપર હુમલાનો વધુ એક પ્રયાસ થયો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 12 કલાક જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે એક દર્દીને વહેલા દાખલ કરવા મુદ્દે દર્દીના સગાંવહાલાંએ તબીબ સાથે માથાકૂટ કરી હુમલો કરવા પ્રયાસ કરતા સિવિલના તમામ તબીબો વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા.
દરમિયાન આ ગંભીર બનાવની જાણ થતાં એ ડીવિઝન પીઆઇ સોનારા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તબીબોને સમજાવટ કરી મામલો થાળે પાડતા તબીબો ફરી કામે ચડી ગયા હતા અને તબીબ ઉપર હુમલો કરનાર દર્દીના સગા વિરુદ્ધ ગુન્હો નોંધવા કાર્યાવાહી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલમાં દર્દીના સગા વ્હાલા બેડ સુધી પહોંચી જતા હોવાનું પણ તબીબોએ પોલીસને ફરિયાદ સ્વરૂપે જણાવી સઘન પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ ઉઠવતા એ ડિવિઝન પોલીસે સિવિલમાં પૂરતા અને ચાંપતા બંદોબસ્તની ખાતરી આપતા હાલ તુરત તબીબોએ હડતાળ સમેટી છે.
એક તરફ તબીબો હાલ માનવતા દાખવી દિવસ રાત જોયા વગર કામ કરી રહ્યા છે ત્યારે દર્દી અને દર્દીના પરિવારજનોએ ધીરજ ધરવી જરૂરી છે ત્યારે લોકોને આ કપરા સમયમાં સંયમ જાળવવા હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:53 pm IST)