Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોનાની મહામારી વચ્‍ચે કચ્‍છના મુન્‍દ્રા શહેરની જાગૃતિ ૫ દિવસના સંપૂર્ણ સ્‍વૈચ્‍છિક લોકડાઉન બાદ

મુન્‍દ્રામાં હવે અઠવાડિયા સુધી અડધો દિ' લોકડાઉન

અત્‍યારે લોકડાઉન સામે કયાંક કયાંક થઇ રહેલા ગણગણાટ વચ્‍ચે ધિકતુ બંદરીય શહેર મુન્‍દ્રા રાહ ચીંધે છે

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮ : ગુજરાતમાં કોરોના મહામારી વકરી છે અને કચ્‍છ જિલ્લામાં પણ કોરોનાથી હાલત ગંભીર છે ત્‍યારે કચ્‍છનું વિકાસશીલ શહેર મુન્‍દ્રા પાંચ દિવસ બંધ રહ્યા બાદ ગઈકાલની વેપારી એસોસીએશનની મિટિંગ બાદ મુન્‍દ્રા શહેરમાં એક સપ્તાહ સુધી અડધા દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન લંબાવાયું છે.

પાંચ દિવસ મુન્‍દ્રા શહેર સજ્જડ બંધ રહ્યા બાદ આજે મુન્‍દ્રાની બજારો સવારે અડધા દિવસ માટે ખુલ્લી હતી અને નગરજનોએ જોઈતી ચીજ વસ્‍તુઓ ખરીદી હતી. જોકે, બપોર બાદ ફરી સ્‍વૈચ્‍છિક લોકડાઉન સાથે મુન્‍દ્રાની મુખ્‍ય બજારો માંડવી ચોક, બારોઇ રોડ, શક્‍તિ નગર, જવાહર ચોક, શાક માર્કેટ, કંદોઈ બજાર, સોની બજાર સજ્જડ બંધ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે કોરોના મહામારી વચ્‍ચે આજે લોકડાઉન સામે ક્‍યાંક ક્‍યાંક ગણગણાટ થઈ રહ્યો છે, ત્‍યારે ૫ દિવસ સ્‍વૈચ્‍છિક રીતે સંપૂર્ણ બંધ રહ્યા બાદ એક સપ્તાહ સુધી આવતા મંગળવાર દરમ્‍યાન બપોરે ૨ વાગ્‍યા બાદ મુન્‍દ્રા સજ્જડ બંધ રહેશે. માત્ર સવારે ૮ થી બપોરે ૨ વાગ્‍યા સુધી જ બજારો ખુલ્લી રહેશે. વર્તમાન કોરોના કહેર વચ્‍ચે અદાણી જેવા ધિક્‍તા પોર્ટ સાથે સંકળાયેલ બંદરીય શહેર મુન્‍દ્રાની લોકજાગૃતિ અન્‍ય શહેરો માટે રાહ ચીંધે છે. (તસ્‍વીર : રાજ સંઘવી, મુન્‍દ્રા)

 

(10:30 am IST)