Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા ૧૫ ટકા ડિવિડન્ડ ચૂકવવા નિર્ણય

વર્ષ ૨૦૨૦-૨૧માં મંડળીએ ૨ કરોડ ૪૯ લાખ નફો કર્યો

(દર્શન ઠાકર દ્વારા) બગસરા તા. ૨૮ : બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ૨૦૨૦/૨૧ના વર્ષનું સરવૈયા મુજબ મંડળીની કુલ સાત શાખા જેમાં બગસરા, ધારી, અમરેલી, ચલાલા, લીલિયામોટા, રાજકોટ અને અમદાવાદ શાખાઓ સહીત સંસ્થાના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાના નેતૃત્વમાં કુશળ કામગીરી થી મંડળી એ રૂ.૨૪૯ લાખનો નફો કરેલ છે. મંડળીની સ્થાપના ૧૯૮૪માં સ્વ. અભયભાઈ ભારદ્વાજ, સ્વ.મનુભાઈ કોટડીયા અને સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં શરૂ થયેલ આ મંડળીમાં કુલ ૧૬૦૧૧ સભાસદો ધરાવે છે.

આ મંડળીનું કુલ ધિરાણ રૂ.૬૪.૭૫ અને થાપણ રૂ.૬૪.૬૮ કરોડ ધરાવે છે મંડળીના ૪(ચાર) મકાનો માલિકીના ધરાવે છે. મંડળીનું વર્ષ ૨૦૨૦/૨૧નું ટર્ન ઓવર રૂ.૫.૮૩ અબજ છે આમ સદ્ઘરતામાં અને રાજયમાં કુલ ૬૨૦૦ મંડળીઓમાં નફાકારકના ક્રમે સતત ચોથા વર્ષે રાજયમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે.

મંડળી દ્વારા સભાસદોને દર વર્ષે ડીવીડન્ડ આપવામાં આવે છે અને વખતો વખત સભાસદ ભેટ અપાય છે ત્યારે આ વર્ષે સભાસદોને ૧૫% ડીવીડન્ડ તથા ભેટ આપવાની ફાળવણી કરવામાં આવેલ છે. મંડળી દ્વારા લોક ઉપયોગી, સેવાકીય પ્રવૃત્તિ તેમજ સહાય સહીતની સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ છે. મંડળી દ્વારા બાજપાઈ સભાસદ વિમાનીધી હેઠળ રૂ.૨૫૦૦૦ની સહાય સભાસદના વારસને ચૂકવાય છે.

મંડળીના સર્વાંગી વિકાસ અર્થે કાયદાકીય મળેલ અધિકારની રૂએ સંસ્થાના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાએ તજજ્ઞ ડીરેકટર તરીકે જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની નિમણુક કરે છે ત્યારે વધુમાં વધુ સંસ્થા પ્રગતિ તરફ આગળ વધશે, તેમ સંસ્થાના જન.એમ.ડીશ્રી નિતેષભાઈ ડોડીયા તેમજ જન.સેક્રેટરીશ્રી ડી.જી.મહેતા સહીત બોર્ડ ઓફ ડિરેકટર, શાખા એડવાઈઝરી બોર્ડ સહીતની ટીમ સહકારી પ્રવૃત્તિને આગળ લઇ જવા કામગીરી કરી રહી છે.

(10:19 am IST)