Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગિરનાર ડોળી એસો.ના પ્રમુખના ભત્રીજાની હત્‍યામાં ત્રણની અટકાયત

ઠપકો આપતા રાત્રે કુહાડી ઝીંકીને રાજુ ઉર્ફે લાલો નારણભાઇ બાવળીયાની હત્‍યાથી અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢમાં ગીરનાર ડોળી એસો. નાં પ્રમુખે તેના ભત્રીજાની હત્‍યા સબબ ત્રણ શખ્‍સો સામે મોડી રાત્રે ફરીયાદ નોંધાવતાં પોલીસે તાત્‍કાલીક તપાસ હાથ ધરીને ત્રણ શખ્‍સોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં ભરડાવવા નજીક રહેતા ગીરનાર ડોળી એસો.નાં પ્રમુખ રમેશભાઇ વીરજીભાઇ બાવળીયાના ભત્રીજા રાજુ ઉર્ફે લાલો નારણભાઇ બાવળીયા (ઉ.૩૦) ની ગત રાત્રીનાં ભરડાવવા ત્રણ રસ્‍તા નજીક હત્‍યા થતાં સનસનાટી મચી ગઇ હતી.

હત્‍યાનાં બનાવની જાણ થતાં એસપી રવિ તેજા વાસમ સેટી, ડીવાયએસપી જાડેજા, એ ડીવીઝનનાં ઇન્‍ચાર્જ પીઆઇ એ. કે. પરમાર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને યુવાનની લાશને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભત્રીજાની હત્‍યા અંગે રમેશ બાવળીયાએ મોડી રાત્રે એ ડીવીઝન પોલીસનાં રાણો, ડાડો બાઇક (દોલતપરા) અને ચિરાગ (રહે. ભરડાવાવ સામે ફરીયાદ નોંધાવી હતી.

જેમાં રાણો નામનો શખ્‍સ રમેશભાઇનાં ઘર પાસે ગાળો બોલતો હોય તેથી મૃતક ભત્રીજો રાજુ રાણાને ઠપકો દેવા ગયો હતો.

બાદમાં રાજુ ઉર્ફે લાલો મોટર સાયરલ પર બેસીને નીકળતા ડાડો બાદશાહે રાજુને મો પર મુકકો મારી તેણે અને ચિરાગ નામનાં  શખ્‍સે ઝઘડો શરૂ કર્યો હતો.

બીજી તરફ રાણાએ કુહાડી વડે રાજુનાં મોં તેમજ માથા પર આડેધડ હૂમલો કરતાં તેનું મોં છૂંદાઇ ગયુ હતુ અને રાજુનું સ્‍થળ પર જ મૃત્‍યુ નિપજયું હતું.

આ ફરીયાદ પરથી પોલીસે આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતાં.

એ ડીવીઝનનાં ઇન્‍ચાર્જ પી. આઇ. એ. કે. પરમારે સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મોડી રાત્રે જ મુખ્‍ય આરોપી રાણા સહિત ૩ ને હસ્‍તગત કરી લેવામાં આવેલ છે તેનો કોવીડ ટેસ્‍ટ કરાવ્‍યા બાદ તેની ધરપકડ કરાશે.

મૃતક રાજુ ઉર્ફે લાલોની તાજેતરમાં ગીરનાર ડોળી એસો.ના પટેલ તરીકે નિયુકિત કરવામાં આવી હતી.

ર૦૧૪ માં મૃતકનાં કાકા ધરમ બાવળીયાની પણ હત્‍યા થઇ હતી.

દરમ્‍યાન પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ તેમનાં ભત્રીજાનાં હત્‍યારાઓને તાત્‍કાલીક પકડી પાડવાની માગણી કરી ભુખ હડતાળ અને ધરણાની ચીમકી ઉચ્‍ચારી હતી.

ફરાર આરોપીઓને ઝડપી લેવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની આગેવાની પોલીસની પાંચ ટીમને કામે લગાડવામાં આવી હતી.

(11:19 am IST)