Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કચ્છમાં કોરોનાથી વધુ ૧૦ મોત વચ્ચે આંકડાઓનો ખેલ : તંત્રના ચોપડે ૧૭૭, સરકારના ચોપડે ૫૭ મોત

વાસ્તવિક મૃત્યુ આંક ખૂબ ઊંચો? અખબારોની દૈનિક અવસાન નોંધો નિહાળીને લોકોમાં તંત્ર અને સરકાર સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮ :  એકબાજુ કોરોનાએ સમગ્ર કચ્છ જિલ્લાને પોતાની નાગચૂડમાં લીધો હોય તેમ સર્વત્ર કેસો વધી રહ્યા છે અને લોકોમાં ભારે ફફડાટ છે. બીજી બાજુ તંત્ર અને સરકાર દ્વારા આંકડાઓનો ખેલ જારી છે. લખપત તાલુકામાં કોરોનાના કેસ છે, પણ તંત્રની યાદીમાં નથી.

એવીજ હાલત અન્ય નવ તાલુકાઓમાં છે, અનેક ગામોએ પોતાના ગામમાં કોરોનાના કેસો વધ્યા હોઈ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે. પણ તંત્રના ચોપડે માત્ર શહેરી વિસ્તારો જ છે. આંકડાઓનો આ ખેલ રાજય સરકારના ડેશબોર્ડ સુધી પણ લંબાયો છે. કચ્છમાં તંત્ર દ્વારા વધુ ૧૦ મોત દર્શાવી સરકારી ચોપડે મૃત્યુ આંક ૧૭૭ દર્શાવાયો છે. કચ્છ જિલ્લામાં તંત્ર ૧૭૭ મોત દર્શાવે છે, જયારે કોરોનાનું રાજય સરકારનું ડેશબોર્ડ કચ્છમાં ૫૭ મોત દર્શાવે છે.

જોકે, કચ્છના સ્થાનિક અખબારોમાં આવતી અવસાન નોંધો નિહાળીને લોકો ચર્ચા સાથે તંત્ર અને સરકાર બન્ને સામે વાસ્તવિક મૃત્યુ આંક ખૂબ ઊંચો હોય તેવા સવાલો કરી રહ્યા છે.

ભુજથી ગાંધીનગર પહોંચતાં સુધી ૧૨૦ મોત ઓછા થઈ ગયા? જોકે, સરકારી આંકડાઓ ના ખેલ વચ્ચે લોકો કોરોનાના કહેરની માર ઝીલી રહ્યા છે. નવા ૧૭૭ કેસ સાથે સારવાર લેતાં દર્દીઓનો આંકડો ૧૯૯૯ થયો છે.

(11:30 am IST)