Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ચોટીલા પાસે કતલખાને જતા ૯ પશુને બચાવાયા

જીવદયા પ્રેમીઓએ ૮ ગાય અને વાછરડાને બચાવી હેરાફેરી કરતા ચાર શખ્સોને પોલીસને સોંપ્યા

વઢવાણ,તા. ૨૮ : જીલ્લામાંથી પસાર થતાં ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી વધી રહી છે અને અબોલ પશુઓને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અંદાજે ૮થી વધુ અબોલ પશુઓને રાજકોટના કાલાવાડ ગામના ગઢપુરથી ટ્રકમાં ભરી મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જવામાં આવતાં હોવાની બાતમીના આધારે ગૌરક્ષક ટીમ સહિતના યુવાનોએ ચોટીલા નેશનલ હાઈવે સહિત પર આવેલ એક હોટલ સામે વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં ટ્રક પસાર થતાં તેને રોકી તલાસી લેતાં ટ્રકમાંથી ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અબોલ જીવ ગાય નંગ-૮ તથા વાછરડું નંગ-૧ મળી કુલ ૯ અબોલ પશુઓને દ્યાસચારો કે પાણીની સગવડ વગર ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં ઝડપી પાડયા હતાં અને સાથે એક ધારદાર છરી પણ મળી આવી હતી. તેમજ ચાર શખ્સો દલસુખભાઈ લક્ષ્મણભાઈ ઉ.વ.૩૭, વિપુલભાઈ ભરતભાઈ સાકરીયા ઉ.વ.૨૭, ધનરાજસિંહ દિલીપસિંહ પરમાર ઉ.વ.૨૮ અને અમનલાલ પ્રેમલાલ શર્મા ઉ.વ.૨૨ તમામ રહે.ચોટીલા તાલુકાવાળાને ઝડપી પાડી ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

જયારે આ તકે ગૌરક્ષક અને અખીલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના જીલ્લા પ્રમુખ હરેશભાઈ ચૌહાણ સહિતની ટીમે અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતાં અને પોલીસ દ્વારા ઝડપાયેલ શખ્સો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

(11:37 am IST)