Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગોંડલનાં શિક્ષક સાથે ૩૯ લાખની ઠગાઇ

પાલીકાના પુર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ સહીત ત્રણ સામે પોલીસમાં લેખીત ફરીયાદ

ગોંડલ, તા,.૨૮: ગોંડલના કૈલાશબાગ વિસ્તારમાં રહેતા શિક્ષકે આપેલ રૂપીયા ૪૭ લાખના માત્ર ૮ લાખ રૂપીયા આપી ૩૯ લાખ રૂપીયા પરત ન આપી શિક્ષકને ગાળો આપી હાથ-પગ ભંગાવી નાખવાની અને ખોટી ફરીયાદ કરાવી બદનામ કરાવવાની અને જાનથી મારી નાખવાની નગર પાલીકાના પુર્વ કારોબારી ચેરમેન સહીત ત્રણ શખ્સોએ ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકે ગોંડલ સીટી પોલીસ મથકમાં લેખીત ફરીયાદ કરી છે.

કૈલાશ બાગ ૭/૧૦ માં રહેતા અરવિંદકુમાર બચુલાલ વોરાએ લેખીત અરજીમાં રાજેન્દ્રસિંંહ રઘુરાજસિંહ જાડેજા, જયેન્દ્રબા રઘુરાજસિંહ જાડેજા, દેવ્યાનીબા  રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. ગોંડલ આશાપુરા મેઇન રોડ પર)ના નામો આપ્યા છે. અરવિંદભાઇએ અરજીમાં જણાવ્યું છે કે પોતે ઉપરોકત ત્રણેય વ્યકિત વિરૂધ્ધ તા.૮-૯-ર૦ર૦ના રોજ કરેલી ફરીયાદ અનુસંધાને સમાધાન થયેલ તેમાં જણાવેલ કે તમારી લેણી રકમ રૂપીયા ૪૭ લાખ આપી દઇશ જે બદલ રૂપીયા ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર સમજુતી કરાર કરેલ હતું અને રૂપીયા ૮ લાખ પોતાના ખાતામાં આરટીજીએસથી જમા કરેલ અને બાકીના રૂપીયા ૩૯ લાખ લેવાના હોઇ જેના ૧૯.પ૦ લાખના બે ચેક આપેલ અને કહેલ કે આ બંને ચેક તમારા ખાતામાં જમા કરશો એટલે તમારા પૈસા તમને મળી જશે. જેથી પોતે વિશ્વાસમાં આ સમજુતી કરાર કર્યો હતો. ત્યાર બાદ તા.૧-ર-ર૦ર૧ના રોજ રાજેન્દ્રસિંહ જાડેજાનો ફોન આવેલ કે હાલ ચુંટણીના કામમાં રોકાયેલ હોઇ અને પૈસાની સગવડ થઇ નથી તેથી તમે તા.ર૦-૩-ર૦ર૧ પછી ગમે ત્યારે ચેક તમારા ખાતામાં નાખશો તો તમારા પૈસા પરત મળી જશે તેમ કહેલ ત્યાર બાદ બંન્ને ચેક તા.ર૪-૩-ર૦ર૧ના રોજ જમા કરતા તા.રપ-૩-ર૦ર૧ના રોજ બેંક મારફતે ખબર પડી કે બંને ચેક ઇનસફીસયન્ટ ફંડના શેરા સાથે પરત ફરેલ. જેથી ફોન કરેલ અને કહેલ કે બંને ચેક પરત થયેલ છે. જેથી કહેવા લાગેલ કે હમણા પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ ના હોય જેથી તમોને થોડા સમય પછી પૈસા પરત આપી દઇશું. જેથી રાજેન્દ્રસિંહનો પહેલેથી જ ઇરાદો પૈસા ઓળવી જવાનો હતો અને રાજેન્દ્રસિંઁહ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપવા લાગેલ કે અમારા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી અને ચુંટણી નજીક આવતી હોઇ જેના કારણે ના છુટકે સમાધાન કરવુ પડેલ હતું અને બે ચેક આપેલ હતા હવે જે થાય તે કરી લે તારા પૈસા તને તો નહિ મળે. ત્યાર બાદ તેના ઘરે ગયેલ ત્યારે ઉપરોકત ત્રણેય વ્યકિતઓ હાજર હતા તેથી પૈસાની જરૂરીયાત છે તેમ કહી પૈસા માંગતા રાજેન્દ્રસિંહ ગુસ્સે થઇ ગયેલ અને કહેલ કે તું તારા પૈસા ભુલીજા તેમ છતા અહીયા આવ્યો તેમ કહી ગાળો આપવા લાગેલ. ગાળો આપવાની ના પાડતા તેણે કહેલ કે તારે જે થાય તે કરી લે તારા પૈસા આજેય નહી અને કાલે પણ નહી મળે તેમ છતા પણ નહી માને તો તારા હાથ-પગ ભંગાવી નાખીશ. હું સુધરાઇનો કારોબારી ચેરમેન છું. મારી ઓળખાણ ગાંધીનગર સુધી છે અને પોલીસવાળા પણ હું જેમ કહીશ તેમ કરશે તેમ છતા પણ તું નહી માને તો હવે પછી પૈસા બાબતનો ફોન કરીશ તો તારા ઉપર બળાત્કારની ખોટી ફરીયાદ કરાવીશ અને તને સમાજમાં બદનામ કરી દઇશ અને બીજા કોઇ પણ ગુનામાં ખોટી રીતે ફીટ કરાવી દઇશ અને તેમ છતા નહી માને તો તને અને તારા પરીવારને જાનથી મરાવી નાખીશ તેમ ધમકી આપવા લાગેલ. જેથી હું ગભરાઇ જતા ત્યાંથી જતા રહયા હોવાનું જણાવાયું છે બાદ આ મામલે ગોંડલ સીટી પોલીસ મથકમાં અરજી કરેલ છે.

(1:16 pm IST)