Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જસદણ શહેર તાલુકામાં કોરોનાના ૯૧૮ એકિટવ કેસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૮: જસદણ પંથકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે કુલ ૯૧૮ એકિટવ કેસ નોંધાયેલા છે. જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે જસદણ શહેરમાં ૫૪૦ થી વધારે કોરોના કેસ એકિટવ છે જયારે જસદણ તાલુકાના ગામડાઓમાં કુલ ૩૭૮ એકટીવ કેસ છે.

તાલુકાના આટકોટ, વીરનગર, લીલાપુર, કાળાસર, શિવરાજપુર, ભાડલા, જુના પીપળીયા, ગોખલાણા, કમળાપુર સહિતનાં ગામડાઓમાં છેલ્લા દશ દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસ મોટા પ્રમાણમાં થયેલા છે. જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ ૨૮ કોઈ દર્દીઓને દાખલ કરેલા છે જયારે ડો. ભરતભાઇ બોઘરાએ કરેલા કોવિડ હોસ્પિટલમાં ૧૨૨થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જયારે જસદણની અન્ય ખાનગી હોસ્પિટલમાં ૪૦થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આ ઉપરાંત જસદણ શહેર અને તાલુકામાં મળી કુલ ૭૨૮ જેટલા સામાન્ય કોરોના ધરાવતા દર્દીઓ હોમ કોરોંન્ટાઇલ થઈને ઘરે જ સારવાર લઇ રહ્યા છે. જસદણના સરકારી તેમજ ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં ઓકિસજન વાળા બેડમાં વેઇટિંગ લિસ્ટ લખવામાં આવે છે આ ઉપરાંત જસદણ પંથકમાં કોરોનાની સાથે સાથે સામાન્ય તાવ શરદી ઉધરસ સહિતના વાયરલ ઇન્ફેકશનના કેસો પણ મોટા પ્રમાણમાં હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જેવી સ્થીતી સર્જાઇ છે.

દરમિયાન પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે લોકોએ કામ વગર બહાર નીકળવું નહી અને સલામતીના તમામ નિતી નિયમોનો કડક અમલ કરવો જોઈએ. જસદણ બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામે જણાવ્યું હતું કે લોકોને સામાન્ય વાઇરલ ઇન્ફેકશન કે લક્ષણો હોય તો જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ચેક અપ કરાવીને દવા મેળવી લેવી અને લોકોને વેકસીન લેવા પણ ડો.રામે અનુરોધ કર્યો હતો.

(1:18 pm IST)