Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ વરસતા માવઠાથી પાકને નુકશાન

આખો દિવસ ગરમી બાદ સાંજના સમયે પવનના સુસવાટા સાથે છવાતુ ચોમાસા જેવુ હવામાન

પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં વાદળા, બીજી તસ્વીરમાં વાડી-ખેતરોમાં વરસાદી પાણી તથા ત્રીજી તસ્વીરમાં આટકોટમાં વરસાદ વરસતા પાણી ભરાયા હતા અને હોર્ડિંગ્સ ઉડ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), સમીર વિરાણી -(બગસરા)-કરશન બામટા (આટકોટ)

રાજકોટ,તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ગઇ કાલે પણે અનેક જગ્યાએ માવઠુ વરસ્યુ હતું. છેલ્લા થોડા દિવસોથી વરસતા માવઠાના કારણે પાકને નુકશાન થયું છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીના ધારીના ગીરકાંઠાના સુખપુર, કાંગસા, જીરા, દુધાળા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં સાર્વત્રિક પલટો આવ્યો હતો જેમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પાટડી સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે કમૌસમી વરસાદનું આગમન થયું હતું જેમાં પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખુલ્લી જગ્યામાં રાખેલ પાકોને મોટાપાયે નુકશાન પહોંચવાની દહેશત સેવાઈ હતી. જયારે ગરમી અને ઉકળાટ બાદ કમૌસમી વરસાદને પગલે એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત જીલ્લાના સાયલા, મુળી, લીંબડી, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ કમૌસમી વરસાદી છાંટા પડયાં હતાં.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ શહેર તેમજ પંથક માં દિવસ દરમિયાન ગરમી નો પારો ઉંચો રહ્યા બાદ સાંજે વાતાવરણ માં પલટો આવ્યો હતો ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં દેરડી(કુંભાજી), રાણસીકી,મોટી ખીલોરી સહિત ગામોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ની ચિંતામાં વધારો થવા પામ્યો હતો.ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને ઉનાળો પાકને નુકશાની થવાની ભીતિ વર્તાઈ રહી છે. ઉનાળા પાકમાં બાજરી,તલી, મગ અને મગફળી,લસણ,ડુંગળી સહિત ના પાકોને વ્યાપક નુકશાન થવા ની શકયતા થી ખેડૂતો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : એક બાજુ કોરોના એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે અમરેલીના કુંકાવાવના ગામડા જેવા કે નાજાપુર તોરી રામપુર પીઠડીયા ગામમાં વરસાદ થવાથી ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલ પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે ડુંગળી બાજરી અને તલ જેવા પાકોમાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે ત્યારે નાજાપુરના યુવા ખેડૂત જયેશભાઇ સાંગાણી એ જવાવ્યું કે મારા ખેતરમાં ૬ વીઘાની ડુંગળીનો પાક તૈયાર થઈ ગયેલ હતો અને આ પાકની અંદાજે કિંમત ૨ લાખનો પાક આ વરસાદના કારણે અમારા તૈયાર થયેલ પાકમાં નુકસાન થયેલ છે અને બીજા ઉભા પાકમાં પણ વરસાદના કારણે ખુબજ મોટું નુકસાન ખેડૂતોને થયેલ છે ત્યારે જયેશભાઈ દ્વારા સરકારને સહાય કરવા અપીલ કરેલ છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયામાં ગત સાંજના ૭ વાગ્યાથી વિજળીના કડાકા-ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રિના ૯ વાગ્યા સુધી શરૂ રહેલ. આ સાથે વિંછીયામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવતાને વરસાદ આવતા રોડ રસ્તા પર પાણી વહસ જત વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદ શરૂ થતા જ ચાર કલાક સુધી વીજળી ગુલ થઇ જતા વિંછીયા વાસીઓએ સતત ત્રીજા દિવસે 'દિવેવાળુ' કર્યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૮ મહતમ, ૨૬ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૨ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટમાં વરસાદ તંત્રની પોલ ખુલી ગઇ શેરીઓમાં પાણી ભરાયા લોકોને ચાલવું મુશ્કેલીઓ પહેલા માવઠું એ નવા બનાવેલ રોડ ઉચો લેતા હાઇસ્કુલ રોડનું કામ ટૂંક સમય બનતા સેરીના રોડ નીચાણ વાળા બની જવાથી બધી શેરીઓમાં પાણી ભરાયાં લોકોને હાલવામાં ઘણી મુશ્કેલ ઓ ઉભી થઇ છે નીચાણ વાળા મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. આટકોટ પંથકમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન ફૂંકાયો હતો કેટલીક દુકાન બોડ ધરાશાયી થયા હતા જોકે બધું બંધ હોવાથી મોટી જાન હાનિ થઈ ન હતી. પવન સાથે વરસાદ પડતાં રસ્તા પર પાણી વહી ગયાં હતાં ખેડુતો મા ચિંતા ની લાગણી ફેલાઈ ગઈ હતી ઉનાળા પાક ને નુકસાન ભીતી સેવાઈ રહી છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો રસતા પર થી પાણી ચાલતા થયા હતા વાતાવરણમાં ઠંડક, પ્રસરી ગઇ હતી બીમારી વધારે પહેલા છે તેવી લોકોમાં દહેશત ફેલાઈ એચડી વાતાવરણમાં અચાનક પલટો આવતા હાલમાં કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી.

(3:14 pm IST)