Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મોરબી સિવિલમાં 160 કોરોનાના દર્દીઓ વચ્ચે માત્ર બે જ ડોક્ટર!!

ફલૂ ઓપીડી, ઇમરજન્સી સહિતના વિભાગોમાં પણ સ્ટાફની ઘટ : ડો.દુધરેજીયાની બદલી બાદ ડો.રાવલે હજુ ચાર્જ ન સાંભળતા સિવિલ ધણીધોરી વગરની

મોરબી : કોરોના મહામારી વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલની જાણે માઠી બેઠી હોય તેમ માત્ર બે ડોક્ટર અને આઠ નર્સીંગ સ્ટાફ 160 કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે.આવી જ હાલત ઇમરજન્સી વિભાગ અને ફલૂ ઓપીડીની હોવાથી ફરજ ઉપરના તબીબોનું કામનું ભારણ અતિશય વધી જવા પામ્યું છે અને તેમાં પણ દર્દી અને તેમના સગા ધીરજ ગુમાવી તબીબો સાથે અણછાજતું વર્તન કરતા હોય સિવિલના તબીબો વિકટ પરિસ્થિતિમાં ફરજ નિભાવી રહ્યા છે.
હાલમાં મોરબી જિલ્લામાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ અને ટાંચા સાધનો વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલમાં 160 કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની ઘટનો છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ,નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટની ખુબ જ અછત છે આમ છતાં કોરોના વોર્ડ, ઇમરજન્સી અને ફલૂ ઓપીડીમાં કામના અતિશય ભારણ વચ્ચે તબીબો રાત દિવસ જોયા વગર કામગીરી કરી રહ્યા છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી સિવિલ હોસ્પિટલના ચીપકું અધિક્ષક દુધરેજીયાની બદલી બાદ સુરેન્દ્રનગરથી મુકાયેલ ડો.રાવલ હજુ હાજર થયા ન હોવાથી આરએમઓ સરડવા ઇન્ચાર્જ અધિક્ષકનો ચાર્જ નિભાવી રહ્યા છે અને ડો.શૈલેષ પટેલ ઇન્ચાર્જ આરએમઓ તરીકે આ કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલનું ગાડું ગબડાવી રહ્યા છે ત્યારે મોરબીના ભાજપના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ સ્ટાફની ઘટ પૂર્ણ કરવા તાકીદે કાર્યવાહી હાથ ધારે તે સમયની માંગ છે.

(10:10 pm IST)