Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મોરબીના શક્તિચોક – મચ્છીમાર્કેટના 15 ધંધાર્થીઓને પાલિકાની નોટિસ.

ફોજદારી કાર્યવાહીની ચીમકી સાથે ધંધાર્થીઓને ત્રણ દિવસમાં કતલખાના બંધ કરી પરવાના રજૂ કરવા તાકીદ

મોરબી : મોરબી શહેરમાં છડેચોક માસ-મટનના ગેરકાયદેસર વ્યાપાર સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે.જેમાં મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક તેમજ જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે અને આ માસ મટન અને કતલખાનાના કાયદેસર પરવાના ત્રણ દિવસમાં રજૂ કરવા તેમજ આ જો માસ મટનનો વેપાર ગેરકાયદે હોય તો ત્રણ દિવસમાં બંધ ન કરાય તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મોરબીમાં અંતે ગેરકાયદે માસ મટનના વ્યાપાર બંધ કરવા માટે નગરપાલિકા તંત્ર મેદાને આવ્યું છે અને મોરબી નગરપાલિકાએ શહેરના શક્તિ ચોક અને જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં કતલખાના તેમન માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. નોટિસમાં નગરપાલિકાએ જણાવ્યું હતું કે, શક્તિ ચોક અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં કતલખાના ધમધમતા હોય તેમજ ગેરકાયદે માસ મટન,મચ્છીનું વેચાણ થતું જે જાહેર આરોગ્ય માટે હાનિકારક છે.
આ ગેરકાયદે પ્રવૃત્તિથી જાહેર સલામતી તેમજ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાની સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. આથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ આ નોટિસ પાઠવીને 15 ધંધાર્થીઓને આ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરવા માટે 3 દિવસની મુદત આપી છે. તેમજ જો કાયદેસર પરવાના હોય તો પણ ત્રણ દિવસમાં નગરપાલિકામાં રજૂ કરી દેવાની તાકીદ કરી છે. અન્યથા ફોજદારી કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે

(11:40 pm IST)