Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દ્વારકાધીશજીના દર્શને અમિતભાઇઃ પોલીસ કોસ્‍ટગાર્ડ તાલીમાર્થીઓ સાથે સંવાદ

કેન્‍દ્રિય ગૃહમંત્રીના આગમનના કારણે કડક સુરક્ષા બંદોબસ્‍તઃ કાલે સૌરાષ્‍ટ્રના અનેક પોલીસ સ્‍ટેશનોનું ઇ-લોકાર્પણ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૮: આજે ભગવાન શ્રી દ્વારકાધીશજીનાં દર્શને કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્‍યા છે. ગુજરાતની મુલાકાતે અમિતભાઇ શાહના આગમનના પગલે કડક સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવાયો છે.

કેન્‍દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે બપોરે ૧૧ વાગ્‍યે દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે. કેન્‍દ્રિય ગૃહમંત્રીશ્રી ત્‍યારબાદ પોલીસ કોસ્‍ટગાર્ડ અકાદમીની મુલાકાત લેશે અને તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે.

કેન્‍દ્રિય ગૃહમંત્રીના પ્રવાસ સંદર્ભે કલેકટરશ્રી એમ.એ.પંડયાના અધ્‍યક્ષસ્‍થાને જુદી-જુદી વ્‍યવસ્‍થાઓ માટે મિટીંગ મળી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાશ્રી નિતેશ પાંડે તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ અને અન્‍ય અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટમાં તા.૨૯મીએ સવારે ૧૨.૦૦ કલાકે પોલીસ કવાર્ટસ ખાતે ગુજરાત પોલીસના બિન રહેણાંક અને રહેણાંક આવાસો, આધુનિક સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ સ્‍ટેશન તેમજ અને સાવરકુંડલા તાલુકાના વંડામાં પોલીસ સ્‍ટેશનના નવા ભવનનું કેન્‍દ્રિય ગૃહમંત્રી તા.૨૯મીએ ઇ લોકર્પણ કરવામાં આવશે. આ અંગે એસપી હિમકર સિંહે જણાવ્‍યું કે, સાવરકુંડલાના વંડામાં ૨૦ ઓગષ્‍ટ ૨૦૧૦થી પોલીસ સ્‍ટેશન શરૂ કરવામાં આવ્‍યુ હતું અને તેની નીચે કુલ ૨૦ ગામો આવે છે. અગાઉ આ પોલીસ મથક બન્‍યું ત્‍યારથી ભાડાના મકાનમાં બેસતુ હતુ અને પોલીસ ગૃહનિર્માણ વિભાગ દ્વારા વંડામાં કુલ રૂા.૯૩ લાખ ૩૭ હજારના ખર્ચે આધુનિક સુવિધા સાથેના પોલીસ મથકનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તા.૨૯ના રોજ ખેડા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઓનલાઇન માધ્‍યમથી આ પોલીસ મથકનું લોકાર્પણ કરશે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ તાલુકાના વંડા ગામે કાલે કેન્‍દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે નવા પોલીસ સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરના ભરતનગર વિસ્‍તારમાં ૧.૩૬ કરોડના ખર્ચે અદ્યતન આઠ હજાર ચોરસ ફૂટના ઈ - ડિવિઝન પોલીસ સ્‍ટેશન બનેલ છે જેનો કાલે રવિવારે લોકાર્પણ સમારોહ છે. આ સમારોહમાં કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ અને ગળહરાજ્‍યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહેશે. ભાવનગરના ભરતનગર વિસ્‍તારમાં વર્ષ ૨૦૧૧માં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ખૂબ ખરાબ હતી અને આ વિસ્‍તારમાં રહેતા લોકો માથાભારે અને અસામાજિક તત્‍વોના ત્રાસથી કંટાળી ગયા હતા. આ સમયે આ વિસ્‍તારમાં બનાવેલી તંબુ ચોકી પણ માથાભારે માણસોએ તોડી નાખી હતી. જોકે આ વિસ્‍તારના લોકોની લાગણી અને માગણીને ધ્‍યાનમાં રાખી વર્ષ - ૨૦૧૧-૧૨માં આ વિસ્‍તારમાં તંબુ ચોકી ત્‍યારબાદ વર્ષ -૨૦૧૩ માં પોલીસ ચોકી અને વર્ષ - ૨૦૧૭-૧૮માં નવા ડિવિઝનની રાજ્‍ય સરકારે મંજૂરી આપેલ. અને આ વિસ્‍તારના ધારાસભ્‍ય વિભાવરીબેન દવેએ હાઉસિંગ બોર્ડ પાસેથી જમીન અંગે મંજૂરી અપાવી અને અદ્યતન પોલીસ સ્‍ટેશન માટે સફળ રજુઆત કરેલ છે.

(1:08 pm IST)