Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કેશોદ માર્કેટ યાર્ડમાં દરરોજ આશરે બે હજાર બોકસ કેરીની આવક

ગયા વરસની સરખામણીમાં આવક ઓછી છે અને ખરીદનારા પણ ઓછા છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૨૮: કેશોદ માર્કેટ યાર્ડમાં દરરોજ અત્‍યારે આશરે બે હજાર બોકસ કેરીના આવે છે અને વહેચાય પણ જાય છે. પરંતુ અગાઉના વરસોની સરખામણીમાં કેરીની આવક રપ ટકા જેવી  જ છે તેની સામે ખરીદનારા પણ એટલા જ છે નહિતર અત્‍યારે કેસર કેરીની ફુલ સીઝન હોય છે.

માર્કેટ યાર્ડના કેરીની અગ્રણી દલાલ મુલચંદભાઇ ઘુમણભાઇએ કહયું હતું કે અત્‍યારે કેરીની ફુલ સીઝન સામાન્‍ય રીતે દર વરસે હોય છે. કાચી કેરીની અર્થાત અથાણાની કેરીની આવક તો એપ્રિલ માસમાં જ થઇ જાય છે. પરંતુ મે માસની શરૂઆતમાં મોંઘા ભાવની પણ ખાવા લાયક કેરીની આવક શરૂ થઇ જાય છે અને ર૦ મે પછી તો ખાવા લાયક કેરીની ફુલ આવક હોય છે. અને વહેચાણ પણ થઇ જાય છે. આ સ્‍થિતિ ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદ વરસે ત્‍યાં સુધી ચાલુ રહે છે અને કેરીના ધંધાર્થીઓ આ દરમિયાન પોતાના બારમાસના ખર્ચ જેટલુ રળી લે છે.

પરંતુ આ વરસની સ્‍થિતિ અલગ છે કેરીની આવક બહુ મોડી થઇ હતી અને કુદરતી હવામાનના કારણે દર વરસની સરખામણીમાં કેરીનો પાક બહુ ઓછો આવ્‍યો છે કહો કે રપ ટકા જેવો જ છે તેમ છતા અત્‍યારે નબળી અને સારી કેરીના વહેચાવા માટે દરરોજ આશરે બે હજાર જેટલા બોકસ આવે છે અને તે બધા એક બોકસના ૭૦૦  રૂા.થી માંડી ૧૧૦૦ રૂા. સુધીના ભાવથી વહેચાય જાય છે.

જે ગયા વરસના ભાવની સરખામણીમાં દોઢા થાય છે. કુદરતી હવામાનના કારણે કેરીનો પાક ઓછો ઉતરે તે તો સમજી શકાય તેવી વાત છે પરંતુ રપ ટકા પાકની સાથોસાથ ખરીદનારા પણ રપ ટકા થઇ જાય તે ન સમજાતી હકિકત છે.

અત્‍યારે જે કેરી આવે છે તે બધી ગીર વિસ્‍તારના અલગ-અલગ ગામડાઓમાંથી વહેચાવા માટે આવે છે પરંતુ માણેકવાડા હજુ ચાલુ થયું નથી સંભવત બે ચાર દિવસમાં ચાલુ થઇ જશે.

(3:20 pm IST)