Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ટીમ ડો. બોઘરાના સુંદર આયોજનથી નરેન્‍દ્રભાઇએ અભિનંદન આપ્‍યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૮ : હોસ્‍પીટલનાં લોકાર્પણમાં છેલ્લા એક મહીનાથી રાત-દિવસ જોયા વગર કામ કરતા ટીમ બોઘરાના સફળ, અદ્દભૂત અને કાબિલેદાદ આયોજનથી લોકો આફ્રિન પોકારી ગયા હતા.
હોસ્‍પીટલના પાયાના પથ્‍થરથી લઇ વિશ્વની શ્રેષ્‍ઠ સારવાર આટકોટ જેવડા ગામડામાં કરોડોના ખર્ચે ઉભી કરનાર ડો. ભરતભાઇ બોધરા અને તેમના હનુમાન બની ડો. ભરતભાઇ બોઘરા જેટલીજ જવાબદારી ઉઠાવનાર ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગજેરાને કાર્યક્રમ શરૂ થયો એ પહેલા લોકો સુંદર આયોજન બદલ અભિનંદન વર્ષાવા લાગ્‍યા હતા.
ડો. ભરતભાઇ બોઘરા અને પરેશભાઇ ગજેરા તથા તેમની ટીમના હજારો કાર્યકરો સ્‍વયસેવકો દ્વારા રાત-દિવસ મહેનત કરી વ્‍યવસ્‍થામાં કોઇ કચાસ ન રહે તે માટે રાત-દિવસ એક કર્યા હતા. શરૂઆતમાં ત્રણ વિશાળ ડોમ ઉભા કરવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ માત્ર ત્રણ દિવસ પહેલા લાખો લોકો સભામાં ઉમટી પડવાના દરે ક ગામોમાંથી સમાચાર આવવા લાગતા ફરી બે વિશાળ ડોમ યુધ્‍ધના ધોરણે ઉભા કરવામાં આવ્‍યા હતા જે પણ ફુલ ભરાઇ ગયા હતા અને લોકો ધોમ-ધખતા તડકામાં પણ નરેન્‍દ્રભાઇને સાંભળવા આવી પહોંચ્‍યા હતા.
હજારો લોકો ટ્રાફિકમાં ફસાય જતા સભા સ્‍થળે પહોંચી શકયા નહોતા તેમજ સભા મંડપ સંપૂર્ણ ભરાઇ જતા આવનારા લોકોને સીધા જ ભોજન લેવા મોકલી દેવામાં આવ્‍યા હતાં.
નરેન્‍દ્રભાઇએ પણ અતિ-આધુનિક હોસ્‍પીટલનું નિર્માણ કરવા બદલ અને લાખોની સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકો માટે સુંદર વ્‍યવસ્‍થા કરવા બદલ અભિનંદન આપ્‍યા હતાં.
ડો. ભરતભાઇ બોઘરા દ્વારા આયોજીત આ સફળ કાર્યક્રમ બદલ સૌરાષ્‍ટ્રના રાજકારણમાં ડો. ભરતભાઇ બોઘરા મોટા નેતા તરીકે ઉભરી આવ્‍યા છે.
જો કે રાજકીય દુશ્‍મનોએ અને ડો. ભરતભાઇ બોઘરાની જાહેર જીવનમાં રોકેટ ગતિએ થતી પ્રગતિ તેમજ છેલ્લા પંદર દિવસમાં અનેક વખત ઘરના જ ઘાતકી બન્‍યા જેવો ઘાટ ઘડાયો હોવા છતાં ડોકટર ભરતભાઇ બોઘરાનો હોસ્‍પીટલમાં માત્ર સેવા કરવાનો ઉદેશ હોય આ કાર્યક્રમ સફળ બન્‍યો હતો.

 

(3:34 pm IST)