Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મેટોડા જીઆઇડીસીમાંથી ૧૩.૭પ લાખનો દારૂ પકડાયો

રંગના પોલીકેમ નામનો શેડ અશોકકુમાર બિષ્‍નોઇએ ફિનાઇલ વેચવાના બહાને ભાડે રાખી દારૂનો જથ્‍થો ઉતાર્યો'તોઃ લોધીકાના પીએસઆઇ કે.કે.જાડેજા તથા ટીમનો દરોડોઃ અશોકકુમારની શોધખોળ

રાજકોટ, તા., ૨૮: લોધીકાના મેટોડા જીઆઇડીસીના શેડમાં લોધીકા પોલીસે દરોડો પાડી ૧૩.૭૫ લાખનો વિદેશી  દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો. દારૂનો જથ્‍થો ઉતારનાર રાજસ્‍થાની શખ્‍સનેી શોધખોળ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીના ગેટ નં. ૧ સામેની શેરીમાં રંગના પોલીકેમ નામના શેડમાં વિદેશી દારૂનો જંગી જથ્‍થો ઉતર્યો હોવાની બાતમી મળતા રૂરલ એસપી જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ લોધીકાના પીએસઆઇ કે.કે.જાડેજા તથા એએસઆઇ હરદીપસિંહ જાડેજા સહીતના સ્‍ટાફે રેઇડ કરી જુદી જુદી બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૫૨૩૨ કિંમત ૧૩,૭૫,૨૦૦નો જથ્‍થો મળી આવતા કબ્‍જે કર્યો હતો. જો કે રેઇડ દરમિયાન દારૂનો જથ્‍થો ઉતારનાર અશોકકુમાર રામસ્‍વરૂપ બિષ્‍નોઇ (રહે. બ્‍લોક નં. ૧૪૯, આસ્‍થા વિલેજ, જયોતી સીએનસીની સામે, મેટોડા જીઆઇડીસી, રહે. મૂળ ચીતરડી, કનોરીયા, બાડમેર, ચૌહટન, રાજસ્‍થાન) નામનો શખ્‍સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ નાસી છુટેલ અશોકકુમાર બિષ્‍નોઇએ ફિનાઇલનો વેપાર કરવાના બહાને આ શેડ ભાડે રાખ્‍યો હતો. પરંતુ તેમાં દારૂનો જથ્‍થો ઉતારી વેચાણ કરતો હોવાનું ખુલ્‍યું હતું.
લોધીકા પોલીસે અશોકકુમાર સામે ગુન્‍હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

 

(1:10 pm IST)