Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

માઇક ધીમુ વગાડવા બાબતે સલાયાના સગર્ભા મહિલાને માર મારવા સબબ ચાર સામે ફરીયાદ

ખંભાળીયા,તા.૨૮ : સલાયા ગામે રહેતા સાહિસ્‍તાબેન મહેબુબભાઈ અનવર કારા નામના ૨૫ વર્ષના મુસ્‍લિમ મહિલા કે જેઓ હાલ સગર્ભા હોય, તેમના ઘર નજીક લગ્ન પ્રસંગ હોવાથી જાનૈયાઓ દ્વારા મોડી રાત્રીના સમયે વધુ પડતા અવાજથી ડી.જે. માઈક વગાડવામાં આવી રહ્યું હતું. જેથી નજીકમાં રહેતા સાહિસ્‍તાબેન કારાને તકલીફ થતી હોવાથી આ અંગે તેમના સંબંધી સાહેદ અનવસ્‍ભાઈ કારા દ્વારા માઈક ધીમું વગાડવાનું કહેતાં અનવર અલી ગજણ , મુસ્‍તુફા અનવર ગજણ, મહેબૂબ અનવર ગજણ અને હુસેન આલી ગજણ નામના ચાર શખ્‍સોએ ઉશ્‍કેરાઈને એક સંપ કરી, સાહિસ્‍તાબેનને મૂઢ ઈજાઓ પહોંચાડ્‍યાની તથા તેમના પરિવારોને બિભત્‍સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ સલાયા પોલીસે ચારેય શખસો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

 નાના આંબલાના યુવાનને મારી નાખવાની ધમકી

 નાના આંબલા ગામે રહેતા હાજીભાઈ દાઉદભાઈ ગજણ નામના ૪૫ વર્ષના સંધિ મુસ્‍લિમ યુવાનના નાનાભાઈ સાથે ઇલેક્‍ટ્રીક ટ્રાન્‍સફોર્મર બળી જવા બાબતે આ જ વિસ્‍તારમાં રહેતા મામદ અલીભાઈ ગજણ અને અકબર અલીભાઈ ગજણ નામના બે શખ્‍સો સાથે બોલાચાલી થયા બાદ ફરિયાદી હાજીભાઈ આ બંનેને સમજાવવા જતાં તેઓ ઉશ્‍કેરાઈને બિભત્‍સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી લોખંડનો પાઇપ ફટકારી દેતા તેમને ઇજાઓ થવા પામી હતી.

આરોપી શખ્‍સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે

(1:17 pm IST)