Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

પોરબંદરના દરિયામાં ૩૦ નોટીકલ માઇલની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના : કાંઠે ૩ નંબરનું સિગ્નલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૮ : અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી ૩૦ નોટીકલ માઇલની ઝડપે પવન ફુંકાવવાની સંભાવનાને લઇને બંદર કાંઠે ૩ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્‍યું છે. માછીમારોને દરિયો નહી ખેડવા સાવચેત કરાયા છે.

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની અસરથી આગામી તા. ૧લી જુલાઇ સુધીમાં દરિયામાં ભારે પવન ફુંકાવવાની તેમજ આ પવનની ઝડપ ૩૦ નોટીકલ માઇલ રહે તેવી સંભાવના હોય બંદર કાંઠે ૩ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્‍યું છે.

આજે સવારે દરિયામાં મોજાનું જોર વધ્‍યું છે. દરિયાના પાણીમાં ચોમાસાના કરન્‍ટ છે. બરડા ડુંગર વિસ્‍તારમાં છુટાછવાયા ઝાપટાને લીધે ડુંગરોની કોતરોમાંથી ઝરણા શરૂ થયેલ છે. બરડા ડુંગરની ગોદમાં આવેલ. ફોદાળા જળાશયમાં ૬ ઇંચ તથા ખંભાળા જળાશયમાં ૧.૪ ઇંચ નવા પાણીની આવક થઇ છે.

એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરૂત્તમ ઉષ્‍ણાતામાન ૩૩.૨ સે.ગ્રે, લઘુત્તમ ઉષ્‍ણાતામાન ૨૮ સે.ગ્રે., ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૮ કિમી, સૂર્યોદય ૬.૧૧, સૂર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે વરસાદ ૦.૧ મીમી (૭૫,૬ મીમી) નોંધાયો છે.

(1:39 pm IST)