Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મોરબીમાં સાયકલ ઉપર બોર્ડ લગાવી જનજાગૃતિની પ્રવૃત્તિ કરતા નિમ્બાર્ક દાદા અનંતની યાત્રાએ નિકળી ગયા.

પોસ્ટમાંથી નિવૃત થયા બાદ મોરબી સ્થાયી થઈને છેલ્લી ઘડી સુધી સાયકલ ઉપર બોર્ડ લગાવીને સરકાર, તંત્ર અને લોકોને સાચી રાહ બતાવવાનાર આવા ક્રાંતિવીરને મોરબી ક્યારેય નહી ભૂલે.

મોરબી : હરસુખલાલ વજેરામ નિમ્બાર્ક, આ નામથી કદાચ મોરબીવાસી પરિચિત નહિ હોય. પણ એક એવા દાદા કે જે જીવનની ઢળતી સંધ્યાએ નિવૃત જીવન જીવવવાને બદલે સમાજ અને દેશને સાચી રાહ બતાવવા નીકળ્યા હતા. વર્ષોથી ટાઢ હોય કે તાપ કે પછી વરસાદ બારેમાસ આ દાદા સાયકલ લઈને રોડ ઉપર નીકળે અને સાયકલ આગળના બોર્ડમાં તંત્ર અને સરકર તેમજ લોકોને જાગૃત કરવાનું લખાણ એમાં લખેલું હોય. આ દાદા એટલે….. હરસુખલાલ વજેરામ નિમ્બાર્ક, તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ દાદાએ ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે.

હરસુખલાલ વજેરામ નિમ્બાર્ક વર્ષો પહેલા બહારના રાજ્યમાંથી મોરબી આવીને પરિવાર સાથે વસેલા. તેઓ પહેલા પોસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા, પણ એમાંથી નિવૃત થઈ ગયા અને મોરબી આવ્યા બાદ પરિવાર સાથે પેન્શનથી આરામદાયક નિવૃત જીવન ગાળી શકયા હોત. પણ આ નિમ્બાર્ક દાદા જુદી માટીના જ બનેલા હતા, તેઓ સ્વભાવે એક્દમ મિતભાષી હતા. પણ તેમના મનની અંદર વિચારોનું ઝંઝાવતનું એવું તોફાન ઉઠતું, કે તેઓને આ વિચારોનું તોફાન નિરાંતે જંપ લેવા દેતું ન હતું. ખાસ તો એમનામાં દેશ પ્રત્યેની ભાવના અખૂટ હતી. તેમના મનમાં ઉઠતા દેશને જાગૃત કરવાના વિચારો લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને બસ ત્યારથી દરરોજ તેમની સાયકલ લઈને નીકળી જતા અને સાયકલ ઉપર આગાઉ બ્લેક બોર્ડ લગાવતા, જેમાં સરકાર, તંત્ર અને લોકોને જાગૃત કરવામાં કઈને કઈ સરસ મજાનું લખાણ લખ્યું હોય.
નિમ્બાર્ક દાદા ખરેખર તો આ રીતે વૈચારિક ક્રાંતિના જનક હતા. આ દાદા સાયકલ ક્યારેય ચલાવતા નહિ. માત્ર લોકો તેમના વિચારો વાંચી શકે તે માટે ચાલીને આખા શહેરમાં પરિભ્રમણ કરતા, લગભગ 70 વર્ષની ઉમેરે પણ આ દાદામાં દેશને બદલવાનું ઝુનુન હતું. તેઓ મોટા ભાગે ભીડભાડવાળી જગ્યાએ સાયકલ લઈને નીકળતા અને ઘણી વાર લોકો તેમના વિચારો વાંચે એ માટે કલાકો સુધી ઉભા રહેતા હશે. એમના ઘરથી નીકળીને ગ્રીનચોક, નહેરુ,ગેઇટ, પરાબજાર,સોની બજાર, શાક માર્કેટ, નગરપાલિકા કચેરી, ગાંધીચોક, જુના બસ સ્ટેન્ડ, નવા ડેલા રોડ, શનાળા રોડ, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, આ બધા જ વિસ્તારોમાં ખૂબ જ ભીડ હોય અને દાદા આ બધા વિસ્તારમાં સાયકલ દોરીને જ ફરતા. વયોવૃદ્ધ અવસ્થામાં દરરોજ કલાકો સુધી પગપાળા જતા. એ પણ ખુદ માટે નહીં દેશહિત માટે.

મીટવાની ભાવના ધરાવતા ક્રાંતિવિરોથી કમ ન હતા. આ દાદા ક્યારેય પણ ભાષણ આપતા નહિ. માટે પોતાના જે વિચારો હોય એ બોર્ડ ઉપર રજૂ કરતા, ઘણીવાર આ દાદાએ ગેરકાયદે દબાણો તેમજ અન્યાય સામે પણ આવાજ ઉઠાવેલો, એમાં એમને ધમકી પણ મળી હતી, પણ આ દાદા પાછા વળે એવા ન હતા. સિંગલ બોડી અને બેઠી દડીના પણ એમની અંદર હિંમત અને જોશ ગજબના હતા. તેઓ સામાજિક અને દેશ લેવલના અને સ્થાનિક પ્રશ્નો પણ ઉઠાવતા, તેમજ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરતા. પણ સફળતા ન મળતી તો ક્યારેય હતાશ ન થતા અને બીજી ક્ષણે સાયકલ લઈને નીકળી પડતા.
આ નિમ્બાર્ક દાદા એક રીતે જોવા જોઈએ તો ગાંધીજીની જેમ જ લડત ચલાવતા, પણ એ પોતે કયારેય ગાંધીવાદી કે દેશપ્રેમી હોવાનો હાઉ પેદા ન કરતા. દેશપ્રેમી અને ગાંધીવાદી હોવાનો ક્યારેય ઢોગ જ ન કરતા, મુક રીતે જ લડાઈ ચલાવતા.તેઓ કહેતા માણસ બધા પ્રિય હોય છે. પણ વિચારોથી અપ્રિય બની જાય છે. માટે માણસ જાગૃત બને તે જરૂરું છે. લોકશાહીને તે સારી રીતે સમજતા અને અધ્યન પણ કરેલું એટલે જ લોકોને મૂળભૂત અધિકારોની અને જાગૃત નાગરિક અધિકારોની સમજ આપતા હતા.
હવે નિમ્બાર્ક દાદા આપણી વચ્ચે રહ્યા નથી. પણ કહેવાય છે કે, માણસ એના કર્મ અને વિચારોથી આપણા વચ્ચે સદેવ જીવે છે. એટલે આ દાદાના વિચારો આપણે સૌ મોરબીવાસી અમલ કરીને જાગૃત બનીશું તો તેમને સાચી શ્રદ્ધાજલી આપી ગણાશે. આ તકે નિમ્બાર્ક દાદાની દેશ અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અને નિષ્ઠાને શત શત નમન કરે છે.

(10:28 pm IST)