Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જીસકા માલ ઉસકા હમાલ સિસ્ટમ ન સ્વીકારાતા આજથી મોરબીમાં લોડિંગ બંધ

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન આકરે પાણીએ : એકપણ ટ્રકચાલકે એસોસિએશનના આદેશ વગર માલ લોડ નહિ કરવા આદેશ

મોરબી : મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીસકા માલ ઉસકા હમાલ સિસ્ટમ અમલી બનાવવા છતાં કેટલીક પાર્ટીઓ દ્વારા સહયોગ આપવામાં ન આવતા આજથી ટ્રાન્સપોર્ટ એઓશીએશન દ્વારા જ્યાં સુધી નવી સિસ્ટમ લાગુ ન થાય ત્યાં સુધી લોડિંગ બંધ કરવા આદેશ આપતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉહાપોહ મચે તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારા બાદ અઠવાડિયા પૂર્વે સર્વાનુમતે નિર્ણય કરી હવેથી જીસકા માલ ઉસકા હમાલ એટલે કે કોઈપણ ટ્રકમાં માલ ભરવા અને ઉતારવાની મજૂરી જે તે પાર્ટીના શિરે નાખવા નક્કી કર્યું છે. જો કે મોરબી જિલ્લામાં કેટલાક કારખાનેદારો આ નવી ભાડા સિસ્ટમનો સ્વીકાર કરે છે તો કેટલાક હજુ આ પદ્ધતિનો સ્વીકાર કરતા ન હોવાની ટ્રાન્સપોર્ટ એસોસિએશનને જાણ થઈ છે.
દરમિયાન આજે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા તમામ ટ્રકચાલકો, માલિકો અને ટ્રાન્સપોર્ટરને લેખિત સૂચના આપી જ્યાં સુધી તમામ ફેકટરી સંચાલકો જીસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ મુજબ ભાડુ ન ચૂકવે ત્યાં સુધી ટ્રકમાં લોડિંગ બંધ કરી દઈ એસોશિએશનના નવા આદેશ સુધી એક પણ ગાડી નહિ ભરવા તાકીદ કરી છે.

(10:21 pm IST)