Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યા બાદ ધોળાવીરા કચ્છના પ્રવાસન માટે બનશે લેન્ડમાર્ક

ધોળાવીરા વિશે રસપ્રદ માહિતી, અછત કામ દરમિયાન શોધાયું, વિશ્વનું ૫ હજાર વર્ષ જૂનું શહેર ધોળાવીરા ટાઉન પ્લાનિંગ દ્રષ્ટિએ સ્માર્ટ સીટી, રણરસ્તો પૂર્ણ થાય તો પ્રવાસીઓ માટે સફેદ રણથી ધોળાવીરા પહોંચવું એકદમ સરળ બનશે

ભુજ તા. ૨૮ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તેને પગલે સમગ્ર કચ્છમાં આનંદનો માહોલ છે. આ અંગે જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી પોતે વિદ્યાર્થીકાળ દરમ્યાન અહી આવ્યા હોવાના સંસ્મરણો સાથે પોતાનો આનંદ વ્યકત કરતાં અહીં તેમના શાસન દરમ્યાન થયેલા કામ અંગે જણાવ્યું હતું. તો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખુશી વ્યકત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસો માટે આભાર વ્યકત કર્યો હતો.

વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થયા બાદ કચ્છની ભૌગોલિક અને ઐતિહાસિક વિરાસત અને વૈવિધ્યતા વચ્ચે ધોળાવીરા એ ન માત્ર કચ્છનું પણ રાજય અને દેશનું પણ શ્રેષ્ઠ પ્રવાસન સ્પોટ બની શકે છે. આજે આ વિશે 'અકિલા'ના વાંચકો માટે રસપ્રદ માહિતી પ્રસ્તુત છે. મને કચ્છનો વતની હોવાના નાતે (આ લખનાર 'અકિલા'ના પ્રતિનિધિ વિનોદ ગાલા) ઘણી વખત ધોળાવીરા જવાનો અવસર મળ્યો છે. ધોળાવીરા શું છે? એ જાણવું હોય તો એકવાર ત્યાં અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

આજે આપણે સ્માર્ટ સીટી કે શહેરીકરણમાં પશ્ચિમી દેશો વિશે વાત કરીએ છીએ. પણ, સિંધુ નદીના કાંઠે વસેલું ધોળાવીરા એ આપણને ૫૦૦૦ વર્ષ પૂર્વે આપણી મોર્ડન ટાઉનશીપ વિશે જાણકારી આપે છે. જોકે, આપણી આ ઐતિહાસિક ધરોહર કેમ શોધાઈ તે વિશે વાત કરીએ તો, ૧૯૭૧ માં દુષ્કાળ દરમ્યાન કચ્છમાં ચાલતા અછત કામ દરમ્યાન મસ્ટર કલાર્ક શંભુદાન ગઢવીને એક સીલ મળ્યું. ઇતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીઓને રસ પડે એવા આ સીલને લઈ ધોળાવીરાના તત્કાલીન સરપંચ સ્વ. વેલુભા સોઢા ભુજ આવ્યા. અહીં ભુજમાં મ્યુઝિયમના કયુરેકટર દ્વારા આ સીલ પુરાતત્વવિદો સુધી પહોંચ્યું. જેને સંશોધન શરૂ થયું અને અહીં હડ્ડપીયન સંસ્કૃતિ સાથેનું નગર હોવાનું અનુમાન થયું. ત્યાર બાદ ભારતીય પુરાતત્વ કચેરીએ અહીં ૨૫૧ એકર જમીનમાં ઉત્ખનન કરવાનું શરૂ કર્યું.

જોકે, અહીં એ ઉલ્લેખ અવશ્ય કરવો જ રહ્યો કે, પુરાતત્વવિદ્ આર.એન. બિસ્ટ અહીં ધૂણી ધખાવી ૧૩ વર્ષ રહ્યા. ધોળાવીરા એ રાપરથી પણ દોઢ કલાકના રસ્તે (ભુજ થી ચાર) આવેલ સાવ છેવાડાનું નાનુ ગામ છે. જયાં પદ્મશ્રી ડો. બિસ્ટ ઉત્ખનન માટે ૧૩ વર્ષ રહ્યા. ધોળાવીરાને નજીકથી જાણનાર ઓળખનાર ડો. બિસ્ટ ના મતે ધોળાવીરાએ સિંધુ સંસ્કૃતિના ૧૫૦૦ વર્ષનો ઈતિહાસ જોયો છે. તે સિંધુ સભ્યતાની ચડતી પડતીનું સાક્ષી રહ્યું છે. ખોદકામ દરમ્યાન અહી મળેલા પુરાવા ઘણી બધી માહિતી આપે છે. દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ (અહીં અનેક રમતો રમાતી હશે), પાણીનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન, પાણીનો ઉપયોગ અને શહેર બહાર વધારાના પાણી માટે તળાવ, શહેરની બહાર કિલ્લો અંદર અન્ય કિલ્લાઓ, રાજાના મહેલનો કિલ્લો, શહેરમાં પ્રવેશ માત્ર પ્રવેશદ્વાર, અન્યત્ર જોવા મળતા બૌદ્ઘ સ્તૂપ ના મુળિયા, સંગીતના સાધનોના અવશેષો પણ ધોળાવીરામાંથી મળી આવ્યા છે. જોકે, નગરરચનાની વાત કરીએ તો, ૫૦૦૦ હજાર વર્ષ પૂર્વે વસેલું ધોળાવીરા એ ત્રણ ભાગમાં વહેચાયેલું નગર (ટાઉન) છે. મિડલ ટાઉન માં સત્તાધીશો અથવા વહીવટકર્તા, લોઅર ટાઉનમાં લોકોની વસાહત અને અપર ટાઉનમાં કારીગરો રહેતા. અહી પાણીના સ્નાનાગાર હતા. તો, નદી તેમ જ જળ સંગ્રહ માટે બંધ પણ હતા. આમ, ધોળાવીરા એ આપણા ભવ્ય ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે.

હવે, જયારે વર્લ્ડ હેરિટેજમાં ધોળાવીરાને સ્થાન મળ્યું છે ત્યારે અહીં હવે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવશે. જોકે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ધોળાવીરા ના પ્રવાસન માટે પ્રયાસો કરાય છે પણ માળખાગત સુવિધાઓ જાહેરાત કરાયા બાદ પૂરતી વિકસી શકી નથી. પરંતુ, હવે જયારે ઘડુલી સાંતલપુર રણ રસ્તો બને છે. ત્યારે કચ્છનું લખપત, સફેદરણ, કાળો ડુંગર જેવી પ્રવાસન સર્કીટ ધોળાવીરા સાથે જોડાઈ જશે. પરિણામે ધોળાવીરા પહોંચવું પ્રવાસીઓ માટે સરળ બનશે. જોકે, રણ રસ્તો હજી પૂરેપૂરો બન્યો નથી. અત્યારે ધોળાવીરા પહોંચવું હોય તો ભચાઉ થઈને રાપરથી જવું પડે છે. જે અંતે લાંબુ છે. ધોળાવીરામાં હવે પ્રવાસન સુવિધા વિકસાવવા સરકારે વધુ ધ્યાન આપવું પડશે તેનું કારણ હવે કચ્છ આવતાં પ્રવાસીઓ માટે ધોળાવીરા એ લેન્ડમાર્ક બનશે.

: અહેવાલ :

વિનોદ ગાલા

ભુજ

(11:44 am IST)