Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કચ્છના આદિપુરમાં ઘરમાં છરીની અણીએ લુંટનો પ્રયાસ : બુમાબુમ કરતા તસ્કરો નાશી છુટ્યા

ભુજ, તા. ર૮ : આદિપુરમાં ગઈકાલે બપોરે ડીએવી સ્કૂલ નજીકના વોર્ડ ૬માં ઘરની અંદર ઘુસી જઈ એક વ્યકિતએ છરીની અણીએ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરતા પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. આદિપુર વિસ્તારમાં પ્રતિદિન બની રહેલા ગુન્હાહિત કૃત્યોથી લોકોમાં ભયની લાગણી પ્રસરી રહી છે ત્યારે પોલીસ તંત્રએ સખ્ત કાર્યવાહી દ્વારા અસામાજિક તત્વો તવાઈ લાવવાની જરૂર ઉભી થઇ છે.

 વિગતો અનુસાર ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં શહેરના ડીએવી સ્કૂલ નજીકના પ્લોટ ન. ૨૮૪, વોર્ડ ૬એ ખાતે રહેતા ૫૦ વર્ષીય નરેન્દ્ર ચુવડમલ ચેનાનીના ઘરમાં બે ઈસમો ઘુસી આવ્યા હતા અને ફરિયાદીની પુત્રીને છરી બતાવી ઘરમાં જે કઈ કિંમતી વસ્તુ હોય તે આપી દો નહિતર જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.

અચાનક ઘરમાં ચડી આવેલા હથિયારધારી શખ્સોના કારણે ફરિયાદી અને તેમના પત્ની તથા પુત્રી ગભરાઈ ઉઠ્યા હતા અને બુમાબુમ કરી મૂકી હતી. પરિવારના અવાજથી આસપાસના રહેવાસીઓ આવતા જોઈ બન્ને આરોપીઓ જયુપીટર જેવા સ્કૂટર પર ફરાર થઈ ગયા. પોલીસે રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:34 pm IST)